નાગરિકોની સુખાકારી માટે વધુ એક ભેટ ગુજરાતમાં રસ્તાઓનું નેટવર્ક થશે વધુ મજબૂત અને સુરક્ષિત: પ્રવક્તા મંત્રી શ્રી જીતુભાઈ વાઘાણી

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની રાજ્યના નાગરિકોની સુખાકારી માટે વધુ એક ભેટ

ગુજરાતમાં રસ્તાઓનું નેટવર્ક થશે વધુ મજબૂત અને સુરક્ષિત: પ્રવક્તા મંત્રી શ્રી જીતુભાઈ વાઘાણી
***********
* માર્ગોના નવીનીકરણ અને ગુણવત્તા માટે રૂ. ૩,૪૦૦ કરોડથી વધુના કામોને મંજૂરી: ૫,૭૦૦ કિમીના ‘નોન-પ્લાન્ડ’ રસ્તાઓનું થશે રીસરફેસીંગ

* રસ્તાની જાળવણી માટે OPRC અને PBMC જેવા નવા મોડેલ અમલમાં: હવે કોન્ટ્રાક્ટરોએ ૧૦ વર્ષ સુધી રસ્તા સાચવવા પડશે

* ચુકવણી કામના જથ્થા પર નહીં, પણ રસ્તાની ગુણવત્તા અને પરફોર્મન્સ આધારિત થશે
***********
વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ શરૂ કરેલી વિકાસની પરંપરાને આગળ ધપાવતા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની અધ્યક્ષતામાં રાજ્યના માર્ગોના નેટવર્કને વધુ સુદ્રઢ અને સુરક્ષિત બનાવવા માટે બે અત્યંત મહત્વના નિર્ણય કરવામાં આવ્યા છે. આ નિર્ણયોથી ગ્રામ્ય અને અંતરિયાળ વિસ્તારોની કનેક્ટિવિટી વધુ સુદ્રઢ બનશે અને રસ્તાઓની ગુણવત્તામાં પણ લાંબાગાળાનો સુધારો જોવા મળશે, તેમ પ્રવક્તા મંત્રી શ્રી જીતુભાઈ વાઘાણીએ જણાવ્યું હતું.

રાજ્યના માર્ગોના નેટવર્કને સુરક્ષિત બનાવવા માટેના બે મહત્વના નિર્ણયો અંગે માહિતી આપતા પ્રવક્તા મંત્રી શ્રી જીતુભાઈ વાઘાણીએ જણાવ્યું હતું કે, રાજ્યના ગામડાઓને જોડતા નોન-પ્લાન રસ્તાઓની સુધારણા માટે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે આજે રૂ. ૩,૪૦૦ કરોડની મંજૂરી આપી છે. આગામી સમયમાં રૂ. ૩,૪૦૦ કરોડથી વધુના ખર્ચે રાજ્યમાં કુલ ૫,૭૦૦ કિમી નોન-પ્લાન્ડ રસ્તાઓનું રીસરફેસિંગ કરવામાં આવશે. જે અંતર્ગત રાજ્યના ૩૩ જિલ્લાઓમાં કુલ ૨,૩૪૨ જેટલા કામોને મંજૂરી આપવામાં આવી છે.

તેમણે કહ્યું હતુ કે, આ મહત્વપૂર્ણ નિર્ણયમાં રાજ્યના ૬૭ ટકા જેટલા નોન-પ્લાન રસ્તાઓ કવર થઈ જશે. ખાસ કરીને ગ્રામ્ય વિસ્તારના પરાં અને અંતરિયાળ વસાહતોની કનેક્ટિવિટી વધશે, જેનાથી નાગરિકોની મુસાફરી વધુ સુરક્ષિત, ઝડપી અને સરળ બનશે. જે રસ્તાઓને ૮ વર્ષ પૂર્ણ થયા હોય તેવા તમામ રસ્તાઓનો પણ આગામી વર્ષે સમાવી લેવામાં આવશે.

મંત્રીશ્રીએ વધુ વિગતો આપતા જણાવ્યું કે, માત્ર નવા રસ્તા બનાવવા જ નહીં, પરંતુ તેની ગુણવત્તા લાંબા સમય સુધી જળવાઈ રહે તે માટે સરકારે મેન્ટેનન્સની પદ્ધતિમાં ક્રાંતિકારી ફેરફાર કર્યો છે. માર્ગોની ગુણવત્તા લાંબા સમય સુધી જળવાઈ રહે તે માટે હવે ‘આઉટપુટ એન્ડ પરફોર્મન્સ બેસ્ડ કોન્ટ્રાક્ટ’ (OPRC) અને ‘પરફોર્મન્સ બેસ્ડ મેન્ટેનન્સ કોન્ટ્રાક્ટ’ (PBMC) પદ્ધતિ અપનાવવાનો નિર્ણય કર્યો છે.

તેમણે કહ્યું કે, રૂ. ૨૫ કરોડથી વધુના કામો  OPRC હેઠળ થશે. તે માટેનો કરાર ૧૦ વર્ષનો રહેશે, જેમાં ૨ વર્ષ બાંધકામ અને ૮ વર્ષ મેન્ટેનન્સનો ગાળો રહેશે. આ ઉપરાંત રૂ. ૨ કરોડથી ૨૫ કરોડ સુધીના કામોનો PBMC હેઠળ થશે. PBMC પદ્ધતિના કામો માટેનો કરાર ૭ વર્ષનો રહેશે, જેમાં ૧ વર્ષ સપાટી સુધારણા અને ૬ વર્ષ મેન્ટેનન્સનો સમાવેશ થાય છે.

નવી પદ્ધતિની મુખ્ય વિશેષતાઓ વિશે માહિતી આપતા મંત્રીશ્રીએ કહ્યું કે, હવે કોન્ટ્રાક્ટરને ચૂકવણી કામની માત્રા પર નહીં, પણ રસ્તાની ગુણવત્તાના આધારે કરવામાં આવશે. ડામરની સપાટીની સાથે સાઈડ શોલ્ડર, ડ્રેનેજ, રોડ ફર્નિચર-સાઈન બોર્ડ, માર્કિંગ, સ્ટોન વગેરેની જાળવણી પણ કોન્ટ્રાક્ટરે જ કરવાની રહેશે.

વૈજ્ઞાનિક પદ્ધતિ અને પ્રિવેન્ટિવ મેન્ટેનન્સથી રાજ્યના રસ્તાઓનું આયુષ્ય વધશે અને વારંવાર રિપેરિંગની જરૂર નહીં પડે. ડિજિટલ મોનિટરિંગ અને પરફોર્મન્સ ઈન્ડિકેટર્સના કારણે કામમાં વધુ પારદર્શિતા અને જવાબદારી આવશે. સરકારના આ મહત્વપૂર્ણ નિર્ણયથી લાંબાગાળે લાઈફ-સાયકલ કોસ્ટમાં ઘટાડો થશે અને રાજ્યના ઇન્ફ્રાસ્ટ્રક્ચર રોકાણનું રક્ષણ થશે તથા ખાડામુક્ત રસ્તા અને યોગ્ય સાઈનેજના કારણે માર્ગ અકસ્માતોમાં પણ ઘટાડો થશે.

ઉલ્લેખનીય છે કે, નાગરીકોને આ આધુનિક પદ્ધતિનો લાભ મળી શકે તે માટે જેમના ટેન્ડર હજુ બહાર પડ્યા નથી તેવા કામોને પણ આ નિર્ણય લાગુ પડશે. આ નિર્ણયથી રસ્તાઓનું આયુષ્ય વધશે, મુસાફરોની સુરક્ષા સુનિશ્ચિત થશે અને લાંબા ગાળે સરકારના ખર્ચમાં ઘટાડો થશે. આ નિર્ણયો રાજ્યની જનતાની સુખાકારી અને ‘વિકસિત ગુજરાત’ના સંકલ્પને સાકાર કરવાની દિશામાં એક મહત્વનું કદમ સાબિત થશે, તેમ પ્રવક્તા મંત્રીશ્રીએ વધુમાં જણાવ્યું હતું.