ઈરાનના ઉર્જા હબ ગણાતા ખુઝેસ્તાન પ્રાંતમાં પણ અનેક પેટ્રોકેમિકલ પ્લાન્ટ્સ પર મિસાઈલ હુમલા
copy image

ન્યુક્લિયર પ્લાન્ટ જ નહીં, પરંતુ ઈરાનના ઉર્જા હબ ગણાતા ખુઝેસ્તાન પ્રાંતમાં પણ અનેક પેટ્રોકેમિકલ પ્લાન્ટ્સ પર મિસાઈલ હુમલા કરવામાં આવ્યા છે. સૂત્રો દ્વારા મળતી માહિતી અનુસાર પેટ્રોકેમિકલ સ્પેશિયલ ઇકોનોમિક ઝોનમાં ભીષણ વિસ્ફોટો અને ધુમાડાના ગોટેગોટા જોવા મળ્યા હતા. બંદર ઈમામ પેટ્રોકેમિકલ કોમ્પ્લેક્સ અને ફજર 1 અને 2 જેવી કંપનીઓને ભારે નુકસાન પહોંચ્યું છે. આ હુમલાઓમાં આશરે 5 લોકો ઘાયલ થયા હોવાના અહેવાલ સામે આવ્યા છે.વધુમાં ઈરાનના વિદેશ મંત્રી અબ્બાસ અરાઘચીએ દાવો કરતા જણાવ્યું છે કે, 28 ફેબ્રુઆરીએ યુદ્ધ શરૂ થયું ત્યારથી અત્યાર સુધીમાં બુશેહર ફેસિલિટી પર 4 વખત બોમ્બમારો કરાયો છે. જોકે, IAEA એ રાહતના સમાચાર આપતા જણાવ્યું છે કે, હુમલા બાદ વિસ્તારમાં રેડિયેશનના સ્તરમાં કોઈ વધારો નોંધાયો નથી. પ્લાન્ટના મુખ્ય હિસ્સા સુરક્ષિત છે, પરંતુ સાધનો ધરાવતી ઓક્સિલરી બિલ્ડિંગને નુકસાન થયું છે. હુમલા બાદ રશિયાની સરકારી ન્યુક્લિયર કંપની રોસાટોમે પ્લાન્ટમાં કામ કરી રહેલા 198 રશિયન સ્ટાફ મેમ્બર્સને તાત્કાલિક અસરથી બસો મારફતે ઈરાન-આર્મેનિયા સરહદ તરફ રવાના કરી દીધા છે. રોસાટોમના વડા એલેક્સી લિખાચેવે જણાવ્યું હતું કે, હુમલાના 20 મિનિટ બાદ જ આ રેસ્ક્યુ ઓપરેશન શરૂ કરી દેવામાં આવ્યું હતું.