કચ્છ જિલ્લામાં આવનારી ચૂંટણીને ધ્યાનમાં રાખીને ભુજની એન્જિનિયરિંગ કોલેજ ખાતે મહત્વપૂર્ણ કામગીરી

કચ્છ જિલ્લામાં આવનારી ચૂંટણીને ધ્યાનમાં રાખીને ભુજની એન્જિનિયરિંગ કોલેજ ખાતે મહત્વપૂર્ણ કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. અહીં ઇવીએમ મશીનોની ચકાસણી, સીલિંગ તેમજ ટેકનિકલ નિરીક્ષણ જેવી પ્રક્રિયાઓ સુચારૂ રીતે ચાલી રહી છે.
આ કામગીરી આગામી એક અઠવાડિયા સુધી ચાલુ રહેશે, જેથી મતદાન દરમિયાન કોઈ પણ પ્રકારની ખામી ન રહે. કચ્છ જિલ્લામાં કુલ 448 બેઠકો માટે ચૂંટણી યોજાનાર છે, જેમાં જિલ્લા પંચાયત, 9 તાલુકા પંચાયત, પાંચ નગરપાલિકા અને ગાંધીધામ મહાનગરપાલિકાની ચૂંટણીનો સમાવેશ થાય છે.
ચૂંટણીને લઈને તંત્ર દ્વારા તમામ તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે. તાલીમની કામગીરી પૂર્ણ કરવામાં આવી છે તેમજ આચાર સંહિતાનો અમલ પણ અસરકારક રીતે કરવામાં આવ્યો છે.
ચૂંટણી પ્રક્રિયાને સરળ અને પારદર્શક બનાવવા માટે કુલ 4000 ઇવીએમ મશીનો ફાળવવામાં આવ્યા છે, જ્યારે આશરે 9000 કર્મચારીઓને વિવિધ કામગીરી માટે નિમણૂક કરવામાં આવશે. આવનારા દિવસોમાં મતદાન પ્રક્રિયા શાંતિપૂર્ણ અને સફળતાપૂર્વક પાર પડે તે માટે તંત્ર સંપૂર્ણ સજ્જ બન્યું છે.