મતદાન મથકોની ૨૦૦ મીટર ત્રિજ્યા વિસ્તારમાં બૂથ ઉભા કરી શકાશે નહીં
આગામી સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની સામાન્ય /પેટા ચૂંટણીઓની તારીખો જાહેર થયેલ છે. જે મુજબ ચૂંટણીને અનુલક્ષીને આદર્શ આચાર સંહિતા અમલમાં આવેલી છે અને કચ્છ જિલ્લામાં તા.૨૬/૦૪/૨૦૨૬ના રોજ મતદાન થનાર છે. ચૂંટણીની કામગીરી તા.૩૦/૦૪/૨૦૨૬ સુધી ચાલશે. આગામી સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ ચૂંટણીની કામગીરી દરમિયાન આદર્શ આચાર સંહિતાના અમલ માટે જરૂરી જાહેરનામા બહાર પાડવા માટે ચૂંટણી આયોગ તરફથી સૂચનાઓ આપવામાં આવેલ છે. રાજ્ય ચૂંટણી આયોગના તા.૧૭/૧૧/૨૦૨૧ના હુકમ ક્રમાંક: રાચ૫-ચટણ-સીઓસી-સ્થા.સ્વ.-૧૩૮(૧)-૧૧૨૦૨૧-ક થી, મતદાનના દિવસે મતદાન બૂથની આસપાસ નિવારક પગલાં લેવા તથા રાજકીય પક્ષો, ઉમેદવારો, કાર્યકરો દ્વારા ઉભા કરવામાં આવતા બૂથોના નિયમન બાબતે જરૂરી સૂચનાઓ આપેલી છે.
જેથી શ્રી આનંદ પટેલ, જિલ્લા મેજિસ્ટ્રેટ, કચ્છ – ભુજ એ ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા-૨૦૨૩ની કલમ-૧૬૩થી મળેલ સત્તાની રૂએ સમગ્ર કચ્છ જિલ્લામાં આગામી સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની સામાન્ય/પેટા ચૂંટણીઓ-૨૦૨૬ સંદર્ભે મતદાન બૂથની આસપાસ નિવારક પગલાં લેવા તથા રાજકીય પક્ષો, ઉમેદવારો, કાર્યકરો દ્વારા ઉભા કરવામાં આવતા બૂથોના નિયમન બાબતે નીચે મુજબના હુકમો કર્યા છે. મતદાન મથકની ૨૦૦ મીટરની ત્રિજ્યાના વિસ્તારમાં કોઈપણ બૂથ ઉભું કરી શકાશે નહીં. જ્યાં એક જ પ્રિમાઈસીસમાં એકથી વધુ મતદાન મથક ઉભા કરવામાં આવેલા હોય ત્યાં પણ આવા પ્રિમાઈસીસની ૨૦૦ મીટરની ત્રિજ્યાના વિસ્તારની બહાર આવા મતદાન મથકોના જૂથ દીઠ એક જ બૂથ પ્રતિ ઉમેદવાર ઉભા કરી શકાશે. આવા દરેક બૂથ દીઠ ફક્ત એક ટેબલ, બે ખુરશી અને બે જ વ્યક્તિ રહી શકશે. આ બે વ્યક્તિઓ હવામાન પરિસ્થિતિઓથી બચવા ફક્ત એક છત્રી અથવા તાડપત્રી કે કપડાનો ટુકડો ઉપયોગમાં લઈ શકશે. પરંતુ તેની ચારે બાજુથી કંતાન કે કાપડથી બંધ કરી શકાશે નહી. આવા બૂથો ચૂંટણી અધિકારી/મદદનીશ ચૂંટણી અધિકારીની પૂર્વ પરવાનગી સિવાય ઉભા કરી શકાશે નહીં. ચૂંટણી અધિકારી/મદદનીશ ચૂંટણી અધિકારી દ્વારા પરવાનગીમાં દર્શાવેલા નામ સિવાયના વ્યક્તિ આવા બૂથ પર હાજર રહી શકશે નહીં. આ ઉપરાંત આવા બૂથ ઉભા કરવા માટે જે-જે સ્થાનીય સત્તામંડળો પાસેથી પરવાનગી મેળવવી જરૂરી હોય તેની પરવાનગી પહેલેથી જ મેળવી લેવાની રહેશે. આવા બૂથની તમામ પરવાનગીઓ બૂથ ખાતે રાખવાની રહેશે. આવા બૂથ ફક્ત ચૂંટણી પંચ દ્વારા આપવામાં આવેલ સૂચનાઓને આધીન તૈયાર કરવામાં આવેલ ઉમેદવારના નામ અને પ્રતીક તેમજ રાજકીય પક્ષના નામ છાપ્યા સિવાયની બિનસત્તાવાર મતદાર કાપલી કાઢી આપવાના એકમાત્ર હેતુથી જ ઉભા કરી શકાશે. આવા બૂથ પર કોઈપણ સંજોગોમાં ભીડ જમા થઈ શકશે નહીં. જે વ્યક્તિઓ મતદાન કરી ચૂક્યા હોય તેવા વ્યક્તિઓ આવા બૂથ પર જઈ શકશે નહી. આવા બૂથ પર રહેલા વ્યક્તિઓ કોઈ પણ સંજોગોમાં મતદારોને અન્ય ઉમેદવારના બૂથ તરફ જતાં કે મતદાન મથક તરફ જવાના રસ્તામાં કોઈપણ પ્રકારે મતદારોને તેમની ઈચ્છા મુજબ પોતાનો મતાધિકાર ભોગવવાથી અવરોધી શકશે નહીં.
કોઈ રાજકીય પક્ષ/ઉમેદવાર અથવા આવા કોઈ વ્યક્તિ દ્વારા આ નિયમોનો ભંગ કરવામાં આવશે તો ભારતીય ન્યાય સંહિતા-૨૦૨૩ની કલમ-૨૨૩ મુજબ શિક્ષાપાત્ર કાર્યવાહીને પાત્ર ઠરશે.
ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા-૨૦૨૩ની કલમ-૨૧૫ની આદેશાત્મક જોગવાઇઓ ધ્યાને લઇ આ જાહેરનામાના ભંગ બદલ ભારતીય ન્યાય સંહિતા-૨૦૨૩ની કલમ-૨૨૩ અન્વયે ગુનામાં જાહેરનામા હેઠળ તપાસ કરવાનાં, જાહેરનામાનાં પાલન કરાવવાનાં અને તપાસનાં અંતે ફરીયાદ રજૂ કરવાના અધિકાર જિલ્લાના પોલીસ અધિકારીશ્રીઓ તેમજ હેડ કોન્સ્ટેબલ કે તે ઉ૫રનાં કર્મચારીઓને રહેશે.
ચૂંટણી સંદર્ભે ખાનગી/જાહેર મિલ્કતના ઉપયોગ પર પ્રતિબંધ લાગુ :
સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની સામાન્ય/મઘ્યસત્ર/પેટા ચૂંટણીઓની તારીખો જાહેર થયેલ છે. જે મુજબ ચૂંટણીને અનુલક્ષીને આદર્શ આચાર સંહિતા અમલમાં આવેલ છે અને કચ્છ જિલ્લામાં તા.૨૬/૦૪/૨૦૨૬ના રોજ મતદાન થનાર છે. ચૂંટણીની કામગીરી તા.૦૧/૦૪/૨૦૨૬ થી તા.૩૦/૦૪/૨૦૨૬ સુધી ચાલશે. આગામી સ્થાનિક સ્વરાજયની સંસ્થાઓ ચૂંટણીની કામગીરી દરમિયાન આદર્શ આચાર સંહિતાના અમલ માટે જરૂરી જાહેરનામા બહાર પાડવા માટે ચૂંટણી આયોગ તરફથી સૂચનાઓ આપવામાં આવેલી છે.
ચૂંટણી સમય દરમિયાન રાજકીય પક્ષ/ઉમેદવારો તરફથી વિશાળ કટઆઉટ, જાહેરાત પાટીયા/બેનર વગેરે દ્વારા પૈસાની તાકાતનું આડંબર યુક્ત પ્રદર્શન ન થાય તે હેતુથી રાજ્ય ચૂંટણી આયોગે નક્કી કરેલી આચાર સંહિતા મુજબ તથા અપાયેલ વિવિધ સૂચનાઓ અનુસાર નિયમન કરવું જરૂરી હોઈ શ્રી આનંદ પટેલ, જિલ્લા મેજિસ્ટ્રેટ, કચ્છ – ભુજ એ ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા-૨૦૨૩ની કલમ-૧૬૩થી સમગ્ર કચ્છ જિલ્લામાં આગામી સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની સામાન્ય /પેટા ચૂંટણી-૨૦૨૫ સંદર્ભે ચૂંટણીલક્ષી જાહેરાત, પાટીયા, બેનર, કટઆઉટ બાબતે નિયમો જાહેર કર્યા છે.
કોઈપણ રાજકીય પક્ષ/ઉમેદવાર/સંસ્થા અથવા વ્યક્તિ દ્વારા કટઆઉટ, હોર્ડીંગ્ઝ, તોરણો, ધ્વજ, પતાકા વગેરે કોઈપણ સરકારી મિલ્કત/જાહેર ઈમારત પર મુકી કે પ્રદર્શિત કરી શકાશે નહીં. જે જાહેર સ્થળોને જાહેરાત, બીલ બોર્ડ અને હોર્ડીંગ્સ પ્રદર્શિત કરવા માટે નક્કી કરવામાં આવેલા હોય અને તે સ્થળો કોઈ ખાનગી એજન્સીને વ્યક્તિગત ગ્રાહકોને ફાળવવા માટે આપવામાં આવેલા હોય તેવા કિસ્સામાં તમામ રાજકીય પક્ષો અને ઉમેદવારોને ચૂંટણીને લગતી જાહેરાતો પ્રદર્શિત કરવા માટે સમાન તક મળી રહે તે સંબંધિત ચૂંટણી અધિકારીશ્રીએ સંબંધિત સત્તાધિકારીશ્રી મારફતે (જો હોય તો) સુનિશ્ચિત કરવાનું રહેશે.
ખાનગી સ્થળોએ સ્થાનિક કાયદાઓ જ્યાં તેના માલિકની પરવાનગીથી ખાનગી જગ્યામાં દીવાલો પર લખાણ કરવાની અને પોસ્ટરો ચોંટાડવાની, પાટીયા, ઝંડા વગેરે લગાડવાની મંજૂરી આપતા હોય ત્યાં ચૂંટણી લડતા ઉમેદવારોએ અથવા સંબંધિત રાજકીય પક્ષોએ મિલ્કતના માલિક પાસેથી લેખિત પરવાનગી તેમજ સંબંધિત ચૂંટણી અધિકારી અથવા મદદનીશ ચૂંટણી અધિકારીની પૂર્વ મંજૂરી મેળવવાની રહેશે. મેળવેલ લેખિત પૂર્વ પરવાનગી તથા પૂર્વ મંજૂરીની નકલ તથા મિલ્કત ધારકના નામ સરનામા અને થનાર ખર્ચ અંગેની વિગતો લેખિતમાં દિન-૩માં મદદનીશ ચૂંટણી અધિકારીશ્રીને પુરી પાડવાની રહેશે અન્યથા આ પ્રકારની કોઈ પ્રવૃત્તિ કરી શકાશે નહીં. સ્થાનિક કાયદાઓ પણ જો ખાનગી માલિકીની જગ્યામાં દીવાલો પર લખાણ કરવાની અને પોસ્ટરો ચોંટાડવાની, પાટીયા વગેરે લગાડવાની પરવાનગી ન આપતા હોય તો માલિકની પરવાનગીથી પણ આ પ્રકારની કોઈ પ્રવૃત્તિ કરી શકાશે નહીં. કોઈપણ રાજકીય પક્ષો, ઉમેદવારો, અન્ય સંગઠનો, વ્યક્તિઓ, કાર્યકરો, ટેકેદારો દ્વારા ખાનગી મિલ્કતના માલિક અથવા કબજો ધરાવનારની લેખિત સ્વૈચ્છિક પૂર્વ પરવાનગી મેળવી અલ્પકાલિન અને સરળતાથી ફેરવી શકાય તેવી જાહેરાતની સામગ્રી પૈકી, ધ્વજ, ઝંડો અને બેનર્સ મૂકી શકશે. કટ આઉટ અને હોર્ડીંગ્ઝ ખાનગી મિલ્કત પર પ્રદર્શિત કરી શકાશે નહીં. આ સંબંધે મિલ્કતના માલિક અથવા કબજો ધરાવનારની લેખિતમાં મેળવેલ સ્વૈચ્છિક પૂર્વ પરવાનગીની ફોટો કોપી ત્રણ દિવસની અંદર ચૂંટણી અધિકારીને રજૂ કરવાની રહેશે. હોર્ડીંગ્ઝની સાઈઝ ૧૫ ફૂટ X ૮ ફૂટથી વધારે હોવી જોઈએ નહી. કટ આઉટની ઉંચાઈ ૮ ફૂટથી વધતી જોઈએ નહીં. કટઆઉટ, જાહેરાત પાટીયા, બેનર્સ વિગેરે કોઈ સ્થળે મુકતા પહેલા તે અંગેની જાણ નોડલ ઓફિસરશ્રી, સબંધિત ચૂંટણી અધિકારીશ્રીને તેમજ સંબંધિત પોલીસ અધિક્ષકશ્રીને કરવાની રહેશે. આ અંગેનો ખર્ચ જે તે વિસ્તારમાં હોર્ડીંગ્ઝ/કટઆઉટ વગેરે મુકેલા હોય તદ્દાનુસાર ઉમેદવારનાં ચૂંટણી ખર્ચમાં યોગ્ય સ્થળે દર્શાવવાનું રહેશે. આ જાહેરનામાનો અમલ તા.૩૦/૦૪/૨૦૨૬ સુધી કરવાનો રહેશે. કોઈ રાજકીય પક્ષ/ઉમેદવાર અથવા આવા કોઈ વ્યક્તિ દ્વારા ઉક્ત નિયમોનો ભંગ કરનાર ભારતીય ન્યાય સંહિતા-૨૦૨૩ની કલમ-૨૨૩ તથા ૧૭૬ મુજબ શિક્ષાપાત્ર કાર્યવાહીને પાત્ર ઠરશે.
ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા-૨૦૨૩ની કલમ-૨૧૫ની આદેશાત્મક જોગવાઇઓ ઘ્યાને લઇ આ જાહેરનામાનાંહ ભંગ બદલ ભારતીય ન્યાય સંહિતા-૨૦૨૩ની કલમ-૨૨૩ અન્વયે ગુના હેઠળ તપાસ કરવાનાં, જાહેરનામાના પાલન કરાવવાનાં અને તપાસનાં અંતે ફરીયાદ રજૂ કરવાના અધિકાર જિલ્લાનાં પોલીસ અધિકારીશ્રીઓ તેમજ હેડ કોન્સ્ટેબલ કે તે ઉ૫રનાં કર્મચારીઓને રહેશે.