કચ્છ જિલ્લા મેજિસ્ટ્રેટશ્રી આનંદ પટેલનું જાહેરનામું: ૯ થી ૧૪ એપ્રિલ સુધી હાજીપીરના માર્ગો પર ભારે માલવાહક વાહનોની અવરજવર પ્રતિબંધિત કરાઈ
કચ્છ જિલ્લામાં આગામી તા. ૧૧/૦૪/૨૦૨૬ થી તા. ૧૩/૦૪/૨૦૨૬ દરમિયાન હાજીપીર ખાતે હાજીપીરનો મેળો (ઉર્ષ) યોજાવા જઈ રહ્યો છે. આ પર્વ નિમિત્તે જિલ્લામાંથી તેમજ જિલ્લાની બહારથી મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ પગપાળા ચાલીને હાજીપીરના દર્શનાર્થે જતા હોય છે. પદયાત્રીઓને રસ્તામાં કોઈ અડચણ કે મુશ્કેલીનો સામનો ન કરવો પડે અને ટ્રાફિક નિયંત્રણ જળવાઈ રહે તે હેતુથી જિલ્લા મેજિસ્ટ્રેટશ્રી આનંદ પટેલે ગુજરાત પોલીસ અધિનિયમ-૧૯૫૧ની કલમ ૩૩(૧) (બી) (સી) અન્વયે ભારે વાહનોની અવરજવર પર પ્રતિબંધિત ફરમાવતું જાહેરનામું બહાર પાડ્યું છે.
આ વિસ્તારમાં અલગ-અલગ કંપનીઓથી હાજીપીર ફાટક સુધી સિંગલ પટ્ટી રોડ આવેલો છે જ્યાં ભારે વાહનોની અવરજવર રહે છે, જેને પગલે ટ્રાફિક નિયમન માટે આ પગલું લેવાયું છે. આ પ્રતિબંધ હેઠળ હાજીપીર ફાટકથી આર્ચિયન કેમિકલ પ્રા.લી. કંપની, સત્યેશ કંપની તથા નીલકંઠ કંપની તેમજ ધોરડોથી નીલકંઠ કંપની સુધીના માર્ગ પર ભારે માલવાહક વાહનો તા. ૦૯/૦૪/૨૦૨૬ થી તા. ૧૪/૦૪/૨૦૨૬ સુધી અવરજવર કરી શકશે નહીં.
આ જાહેરનામામાંથી સરકારી ફરજ પરના વાહનો, પોલીસ અધિક્ષકશ્રીના આદેશ અનુસાર કે સ્થળ પરના સક્ષમ અધિકારી દ્વારા અધિકૃત કરાયેલા વાહનોને મુક્તિ આપવામાં આવી છે. આ જાહેરનામાનો ચુસ્તપણે અમલ કરાવવા માટે જિલ્લાના પોલીસ અધિકારીશ્રીઓ તેમજ હેડ કોન્સ્ટેબલ કે તેથી ઉપરની કક્ષાના કર્મચારીઓને સત્તા સોંપવામાં આવી છે.