કચ્છ જિલ્લામાં આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી-૨૦૨૬ અન્વયે ભુજમાં મતદાન જાગૃતિ રેલીનું આયોજન કરાયું

 ૩૫૦ વિદ્યાર્થીઓ અને વિવિધ વિભાગોના ૬૦ અધિકારીઓ-કર્મચારીઓ ‘મારો મત મારી ઓળખાણ’ જેવા નારાઓ સાથે મતદાન જાગૃતિ અભિયાનમાં જોડાયા આગામી તારીખ ૨૬/૦૪/૨૦૨૬ ના રોજ ગુજરાતમાં યોજાનારી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ-૨૦૨૬ માં મહત્તમ મતદાન થાય તે હેતુથી કચ્છ જિલ્લામાં વિશેષ જાગૃતિ અભિયાન હાથ ધરવામાં આવ્યું છે. જે અંતર્ગત આજરોજ કચ્છ જિલ્લા મેજિસ્ટ્રેટ અને જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી આનંદ પટેલના માર્ગદર્શન હેઠળ ભુજ ખાતે એક  ‘મતદાન જાગૃતિ રેલી’નું આયોજન કરવામાં આવ્યું હતું. આ રેલી આર.ડી. વરસાણી કુમાર વિદ્યાલય, નોડલ ઓફિસરશ્રી (SVAP & PWD), જિલ્લા સમાજ સુરક્ષા અધિકારીશ્રી, જિલ્લા શિક્ષણ અધિકારીશ્રી તેમજ જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારીશ્રીના સંયુક્ત ઉપક્રમે યોજવામાં આવી હતી. આ જાગૃતિ રેલી આર.ડી. વરસાણી કુમાર વિદ્યાલયથી પ્રસ્થાન પામીને જ્યુબિલી ગ્રાઉન્ડ સુધી યોજવામાં આવી હતી. રેલીમાં આર.ડી. વરસાણી વિદ્યાલયના ૩૫૦ જેટલા બાળકો તેમજ શાળાના શિક્ષકગણ અને સ્ટાફે ભારે ઉત્સાહભેર ભાગ લીધો હતો.

        રેલી દરમિયાન ઉપસ્થિત વિદ્યાર્થીઓ અને અધિકારીઓએ “મતદાન અવશ્ય કરીએ”, “મતદાન મારો જન્મસિદ્ધ અધિકાર”, “મારો મત નિર્ણાયક મત” અને “મારો મત મારી ઓળખાણ” જેવા વિવિધ પ્રેરણાદાયક નારાઓ લગાવીને નાગરિકોને અચૂક મતદાન કરવા માટે અપીલ કરી હતી અને લોકશાહીના આ પર્વમાં સહભાગી થવાનો સંદેશો નાગરિકોને પાઠવ્યો હતો.

        આ ઉપરાંત આ મતદાન જાગૃતિ રેલીમાં વિવિધ સરકારી વિભાગના કર્મચારીઓ, વિવિધ શાળાઓના શિક્ષકો, જિલ્લા સમાજ સુરક્ષા અધિકારીશ્રી કચેરી, જિલ્લા બાળ સુરક્ષા અધિકારીશ્રી કચેરીન અને સરકારી ચિલ્ડ્રન હોમના કર્મચારીઓ મળીને કુલ ૬૦ જેટલા અધિકારીશ્રીઓ અને કર્મચારીઓ પણ જોડાયા હતા.

        આ રેલીમાં નોડલ ઓફિસરશ્રી (SVEEP & PWD), જિલ્લા સમાજ સુરક્ષા અધિકારીશ્રી દશરથભાઈ જે. દેસાઈ, જિલ્લા શિક્ષણ અધિકારીશ્રી સંજયભાઈ પરમાર, જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારીશ્રી પૃથ્વીરાજસિંહ જી. ઝાલા, અને જિલ્લા બાળ સુરક્ષા અધિકારીશ્રી વિપુલ બી. ડોરિયા ઉપસ્થિત રહ્યા હતા.