ISRO દ્વારા ભારતના પ્રથમ માનવ અવકાશ મિશન ‘ગગનયાન’ તરફ વધુ એક ઐતિહાસિક સફળતા :અવકાશમાં માનવ મોકલવાનું સપનું થશે સાકાર

copy image

copy image

ભારતીય અવકાશ સંશોધન સંસ્થા(ISRO)એ ભારતના પ્રથમ માનવ અવકાશ મિશન ‘ગગનયાન’ તરફ વધુ એક ઐતિહાસિક સફળતા મેળવી છે. ભારત દ્વારા પહેલી વાર અવકાશમાં અંતરિક્ષયાત્રીને મોકલવામાં આવી રહ્યા છે. ISROના ચીફ વી નારાયણનનું કહેવું છે કે ગગનયાન મિશનનું 90% કામ પૂર્ણ થઈ ગયું છે. આ માટે રોકેટ અને મોડ્યુલને સ્પેશિયલ ડિઝાઇન કરવામાં આવ્યું છે. આ મિશન દ્વારા ભારત ઘણી મોટી સિદ્ધિ હાંસલ કરી શકશે. કેન્દ્રીય વિજ્ઞાન અને ટેકનોલોજી મંત્રી ડૉ. જિતેન્દ્ર સિંહે સોશિયલ મીડિયા દ્વારા જણાવ્યું છે કે, ઇસરોએ ગગનયાન માટે બીજું ‘ઇન્ટિગ્રેટેડ એર ડ્રોપ ટેસ્ટ'(IADT-02) સફળતાપૂર્વક પૂર્ણ કર્યું છે. શ્રીહરિકોટાના સતીશ ધવન સ્પેસ સેન્ટર ખાતે કરવામાં આવેલ આ પરીક્ષણ ગગનયાનની તૈયારીઓ માટે અત્યંત મહત્ત્વનું માનવામાં આવે છે. ગગનયાન મિશનનો સૌથી જટિલ ભાગ અંતરિક્ષયાત્રીઓને અવકાશમાંથી સુરક્ષિત રીતે પૃથ્વી પર પાછા લાવવાનો છે. જ્યારે ‘ક્રૂ મોડ્યુલ'(જેમાં અંતરિક્ષયાત્રીઓ બેઠા હશે) પૃથ્વીના વાતાવરણમાં ફરી પ્રવેશ કરશે, ત્યારે તેની ગતિ ઘટાડવા અને તેને દરિયામાં સુરક્ષિત ઉતારવા માટે પેરાશૂટ સિસ્ટમની ભૂમિકા નિર્ણાયક બની રહે છે આ પરીક્ષણ દરમિયાન ક્રૂ મોડ્યુલના ડમી મોડલને ભારતીય વાયુસેનાના વિમાન દ્વારા હજારો ફૂટની ઊંચાઈએથી નીચે ફેંકવામાં આવ્યું હતું.  આ પ્રક્રિયામાં તપાસવામાં આવ્યું કે પેરાશૂટ યોગ્ય સમયે અને ક્રમમાં ખુલે છે કે નહીં. IADT-02ની સફળતા એ સાબિત કરે છે કે ઇસરોની પેરાશૂટ રિકવરી સિસ્ટમ બરાબર કામ કરી રહી છે. આ સફળતા સાથે ભારત પોતાના સૌથી મહત્વાકાંક્ષી સપનાની વધુ નજીક પહોંચી ગયું છે. ગગનયાન મિશન અંતર્ગત 3 અંતરિક્ષયાત્રીઓને 400 કિમીની ઊંચાઈએ પૃથ્વીની ભ્રમણકક્ષામાં 3 દિવસ માટે મોકલવામાં આવશે. મિશન પૂર્ણ થયા બાદ તેમને સુરક્ષિત રીતે ભારતીય સમુદ્રી ક્ષેત્રમાં ઉતારવાનું આયોજન છે. ડૉ. જિતેન્દ્ર સિંહે જણાવ્યું કે ભારતની આ પ્રથમ માનવ અવકાશ ઉડાન આવતા વર્ષે નિર્ધારિત કરવામાં આવી છે.