કચ્છ જિલ્લા ભાજપ દ્વારા મહિલા સંમેલન યોજવામાં આવ્યું

આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓને અનુલક્ષીને માતૃશક્તિની અગત્યતા અને મહત્વતા જાણીને આજરોજ કચ્છ જિલ્લા ભાજપ દ્વારા જીલ્લા ભાજપ મધ્યસ્થ કાર્યાલય, કચ્છ કમલમ ખાતે અધ્યક્ષ દેવજીભાઈ વરચંદના વડપણ હેઠળ એક મહિલા સંમેલન યોજવામાં આવ્યું હતું જેમાં પ્રદેશ ભાજપ મહિલા મોરચા અધ્યક્ષ અંજુબેન વેકરીયા ખાસ ઉપસ્થિત રહ્યા હતા. આ સંમેલનમાં જિલ્લા ભાજપ સંગઠન પ્રભારી ફલજીભાઈ ચૌધરી પણ સાથે જોડાયા હતા.
સંમેલનના આરંભે શાબ્દિક સ્વાગત કરતા જિલ્લા ભાજપ મહિલા મોરચા અધ્યક્ષ પારુલબેન કારાએ જણાવ્યું હતું કે મોદીજીના શાસનકાળમાં મહિલા સશક્તિકરણના વિચારને અદભુત ઉત્તેજન મળ્યું છે અને આજે મહિલાઓ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં પુરુષોને ખભે ખભા મિલાવીને આગળ વધી રહી છે ત્યારે મતદાન પૂર્વેના પ્રચાર જંગમાં આપણો મહિલાઓનો ફાળો ખૂબ જ ચાવીરૂપ ગણાશે.
સંગઠન પ્રભારી શ્રી ચૌધરીએ જણાવ્યું હતું કે મહિલાઓના હાથમાં શાસનધુરા સોંપવી એ સમાજના આવનારા સમય માટે ઉજળા સંકેત છે માટે કચ્છમાં પણ સૌ માતાઓ બહેનો સાથે મળીને ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારોને જંગી બહુમતીથી જીતાડવા માટે સંનિષ્ઠ પુરુષાર્થ કરશે એવો મને પૂર્ણ વિશ્વાસ છે.
જિલ્લા ભાજપ અધ્યક્ષ શ્રી વરચંદે જણાવ્યું હતું કે કચ્છમાં ભાજપ પરિવારનું સંગઠન ક્ષેત્રે સમગ્ર રાજ્યમાં હંમેશા ઉમદા પ્રદર્શન રહ્યું છે અને હવે જ્યારે ચૂંટણીને આડે ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે જિલ્લા ભાજપ મહિલા મોરચો પણ તન, મનથી ચૂંટણી પૂર્વેના જનસંપર્ક કાર્યક્રમોમાં આપણી સરકારોએ કરેલી અનેક નેત્રદીપક કામગીરીઓના સરવૈયા સાથે મેદાનમાં ઉતરશે અને એક ભવ્ય પરિણામના સાક્ષી બનશે.
પ્રદેશ ભાજપ મહિલા મોરચા અધ્યક્ષા અંજુબેન વેકરીયાએ જણાવ્યું હતું કે સ્થાનિક સ્વરાજ્યમાં 50% અનામત બાદ હવે વિધાનસભા લોકસભામાં પણ 33% મહિલા અનામત ખૂબ ઝડપથી લાગુ પડવા જઈ રહ્યું છે. માતૃશક્તિની મહત્તા દર્શાવતા તેમણે ઉમેર્યું હતું કે આપણે સૌ એ પરંપરાના વાહકો છીએ કે જ્યાં ધરતી, રાષ્ટ્ર અને નદીઓને પણ માતા સાથે સરખાવી છે ત્યારે મહિલાઓની અપાર ક્ષમતાને સથવારે ભારતીય જનતા પાર્ટી આ ચૂંટણીમાં ઝળહળતું પરિણામ પ્રાપ્ત કરશે એ દીવા જેવી સ્પષ્ટ બાબત છે. અંતમાં તેમણે કહ્યું હતું કે જે ઘર પરિવાર સારી રીતે ચલાવી શકે છે એ નારીજાતિ દેશ, રાજ્ય અને પ્રાંત પણ ખૂબ જ ઉમદા રીતે ચલાવી શકવાનું સામર્થ્ય ધરાવે છે જેથી આપણે સૌ બહેનોએ આગામી દિવસોમાં સતત લોકોની વચ્ચે રહીને મહત્તમમાં મહત્તમ લોકોનો વ્યક્તિગત સંપર્ક કરીને આપણી વાત અને વિચારધારા તેમની સમક્ષ મૂકવી પડશે અને સ્ત્રી શક્તિની અખૂટ ઉર્જા અને તાકાતનો પરિચય સૌને આપવો પડશે
આ સંમેલનમાં પ્રદેશ ભાજપ મહિલા મોરચા ઉપાધ્યક્ષ અરુણાબેન ચૌધરી, મહિલા સંમેલનોના પ્રદેશ ઈન્ચાર્જ પ્રિયાબેન પટેલ, જીલ્લા ભાજપ મંત્રી અને મહિલા મોરચા પ્રભારી છાયાબેન ગઢવી તેમજ જીલ્લા ભાજપ મહિલા મોરચાના હોદ્દેદારો, વિવિધ મંડલોના મહિલા હોદ્દેદારો તેમજ મહિલા કાર્યકરો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. સંચાલન જિલ્લા ભાજપ ઉપાધ્યક્ષ રેશ્માબેન ઝવેરી તેમજ આભાર વિધિ જિલ્લા ભાજપ મહિલા મોરચા મહામંત્રી પારસબા જાડેજાએ કરી હોવાનું કચ્છ જિલ્લા ભાજપ મીડિયા ઈન્ચાર્જ સાત્વિકદાન ગઢવીની યાદીમાં જણાવાયું હતું.