ગુજરાત ATSનું મોટું એન્ટી-રેડિકલાઇઝેશન ઓપરેશન: ISIS સાથે જોડાયેલા બે શંકાસ્પદોની ધરપકડ

ગુજરાતમાં હવે ગઝવા-એ-હિન્દના લોકો સોશિયલ મીડિયાથી ફિદાઇન તૈયાર કરી રહ્યા હોવાના મેસેજ ગુજરાત એટીએસે ટ્રેસ કરી અફઘાનિસ્તાન અને પાકિસ્તાનથી હથિયારો મગાવી અરાજકતા ફેલાવવાના આરોપસર મુંબઈ અને ગુજરાતના બે લોકોની ધરપકડ કરી છે. સૂત્રો દ્વારા મળતી માહિતી અનુસાર ગુજરાત એટીએસના એક ઉચ્ચ અધિકારીએ જન્મભૂમિ પત્રો સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, ગુજરાતમાં ચૂંટણી દરમ્યાન સોશિયલ મીડિયા દ્વારા અરાજકતા ફેલાવવાનારા લોકોને રોકવા માટે ચાલી રહેલી કાર્યવાહી દરમ્યાન ઉત્તરગુજરાતના સિદ્ધપુરના ઈરફાન પઠાણ દ્વારા ભડકાઉ ભાષણ અને હથિયાર ખરીદવાના મેસેજ ઇન્ટરસેપ્ટ થયા હતા. જેના  આધારે સિદ્ધપુરની અમૃત પાર્ક સોસાયટીમાં રહેતા ઈરફાનની ધરપકડ કરી, તો એમાં ઇરફાન સોશિયલ મીડિયાના આધારે અફઘાનિસ્તાન અને પાકિસ્તાનથી હથિયારો મંગાવી અરાજકતા ફેલાવવાની તૈયારી કરતો હોવાનું સામે આવ્યું હતું . તેમના ઈલેક્ટ્રોનિક ડિવાઇસની  તપાસ કરતાં એમાં ઇસ્લામિક દેશની સ્થાપના માટે માણસો તૈયાર કરવા અને આરડીએક્સ  બોમ્બ બનાવવાની ટ્રેનિંગ માટેના સંદેશ સામે આવ્યા હતા, એની સાથે મુંબઈના સાકીનાકામાં ચિકન બીરિયાનીની હોટલ ચાલવતા મુર્શીદ શેખ જોડાયેલો હોવાની વિગતો મળતાં મુંબઈથી એની ધરપકડ કરી છે. બંને આઇએસ સાથે પણ સંપર્ક ધરાવે છે. ગુજરાત એટીએસના અધીક્ષક કે શિશુસરથે જન્મભૂમિ પત્રો સાથેની વાતચીતમાં કહ્યું કે , ગઝવા-એ-હિન્દનું કોઈ મોડયુલ ગુજરાતમાં ઊભું થાય એ પહેલાં અમે એમને પકડી પડ્યા છે, અત્યારે એમના 11 દિવસના રિમાન્ડ લીધા છે ત્યારબાદ મુંબઈ ઉત્તરપ્રદેશ અને કર્ણાટક સહિત અન્ય રાજ્યોમાં સોશિયલ મીડિયાની મદદથી તૈયાર કરેલા લોકોને પકડી પાડવામાં આવશે.