પાકિસ્તાનની મધ્યસ્થતામાં અમેરિકા અને ઈરાન વચ્ચે શાંતિ સમજૂતી માટે વાટાઘાટો ઉપર અનિશ્ચિતતાનાં વાદળ ઘેરાયેલા
COPY IMAGE

પાકિસ્તાનની મધ્યસ્થતામાં અમેરિકા અને ઈરાન વચ્ચે શાંતિ સમજૂતી માટે વાટાઘાટો ઉપર અનિશ્ચિતતાનાં વાદળ ઘેરાયેલા છે. પ્રાથમિક અહેવાલો અનુસાર અમેરિકાનું પ્રતિનિધિમંડળ તો ઈસ્લામાબાદ પહોંચવાનું છે પણ હજીય ઈરાન આ બેઠકમાં સામેલ થશે કે નહીં તેનું રહસ્ય ખૂલ્યું નથી.આ દરમ્યાન, અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે બતાવ્યું હતું કે, જો ઈરાન કાલ સુધી સમજૂતી નહીં કરે તો ફરી બોમ્બમારો કરશું. અમે હવે યુદ્ધવિરામ લંબાવશું નહીં. ઈરાની મીડિયાનાં અહેવાલો અનુસાર મુખ્ય વાટાઘાટકાર અને સંસદનાં સ્પીકર મોહમ્મદ બાઘેર ગાલિબાફ, વિદેશમંત્રી અરાઘચી અને તેમનાં ડેપ્યુટી હાલ ઈરાનમાં જ છે અને આ લોકો પાક. જવાનાં છે કે નહીં તેની કોઈ અધિકૃત પુષ્ટિ આવી નથી. પીટીઆઈના અહેવાલમાં અધિકારીઓને ટાંકીને જણાવાયું છે કે, મંત્રણા યોજાઈ શકે છે. ઈરાન અને અમેરિકા વચ્ચેનો યુદ્ધવિરામ 22મી એપ્રિલે સમાપ્ત થવાનો હતો અને તેને એક દિવસ લંબાવી દેવામાં આવ્યો છે. બીજીબાજુ હોર્મુઝની નાકાબંધી મુદ્દે બન્ને દેશ વચ્ચે તનાવ ફરીથી પરાકાષ્ઠાએ પહોંચેલો છે અને ગમે ત્યારે યુદ્ધની આગ ભડકી ઉઠે તેવી શક્યતા છે. અમેરિકાનાં રાષ્ટ્રપતિ ધમકીઓ સાથે ઈરાનને વાટાઘાટનાં મેજ ઉપર આવવા દબાણ કરી રહ્યાં છે અને બીજીબાજુ ઈરાને અમેરિકા ઉપર અવિશ્વાસ વ્યક્ત કરીને ચર્ચામાં સામેલ થવાનો ઈનકાર કરી દીધો છે.. ઈરાન તરફથી સ્પષ્ટ કહેવામાં આવી રહ્યું છે કે, ધમકીનાં દબાણમાં તે કોઈ વાટાઘાટમાં સામેલ થશે નહીં. તો સામે છેડે ટ્રમ્પ ઈરાનને ધમકાવવાનું ચાલુ રાખતા કહી રહ્યાં છે કે, જ્યાં સુધી ઈરાન સાથે કોઈ સમજૂતી નહીં થાય ત્યાં સુધી ઈરાની બંદરોની નાકાબંધી યથાવત્ રહેશે.