મતગણતરી મથક અને તેની ૨૦૦ મીટર ત્રિજ્યાના વિસ્તારમાં ચારથી વધુ વ્યક્તિઓ એકઠા થઈ શકશે નહીં

આગામી સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની સામાન્ય/પેટા ચૂંટણીઓની તારીખો જાહેર થયેલ છે. જે મુજબ આદર્શ આચાર સંહિતા અમલમાં આવેલ છે અને કચ્છ જિલ્લામાં તા.૨૬/૦૪/૨૦૨૬ના રોજ મતદાન થનાર છે. ચૂંટણીની કામગીરી તા.૦૧/૦૪/૨૦૨૬ થી તા.૩૦/૦૪/૨૦૨૬ સુધી ચાલશે. આગામી સ્થાનિક સ્વરાજયની સંસ્થાઓ ચૂંટણીની કામગીરી દરમિયાન આદર્શ આચાર સંહિતાના અમલ માટે જરૂરી જાહેરનામા બહાર પાડવા માટે ચૂંટણી આયોગ તરફથી સૂચનાઓ આપવામાં આવેલ છે.

જેથી શ્રી આનંદ પટેલ, જિલ્લા મેજિસ્ટ્રેટ, કચ્છ-ભુજ એ ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા-૨૦૨૩ની કલમ-૧૬૩થી મળેલ સત્તાની રૂએ મતગણતરી મથકોની આસપાસ તા.૨૮/૦૪/૨૦૨૬ના મત ગણતરી દિવસે સવારના ૪:૦૦ કલાકથી મતગણતરી પૂર્ણ થયાના બે કલાક સુધી આદર્શ આચાર સંહિતા અને કાયદો અને વ્યવસ્થાની જાળવણી માટે નીચે મુજબ હુકમો કર્યા છે.

મતગણતરી મથક અને તેની ૨૦૦ મીટરની ત્રિજ્યા વિસ્તારમાં ચારથી વધુ વ્યક્તિઓ એકઠા થઈ શક્શે નહી. મતગણતરી મથક અને તેની ૨૦૦ મીટરની ત્રિજ્યાના વિસ્તારમાં સભા ભરી શકાશે નહીં કે સંબોધિ શકાશે નહીં. મતગણતરી મથક અને તેની ૨૦૦ મીટરની ત્રિજ્યાના વિસ્તારમાં કોઈપણ વ્યક્તિ મોબાઈલ ફોન, વાયરલેસ સેટ, કોર્ડલેસ ફોન, કે સંદેશા વ્યવહારના કોઈ સાધનો કે અન્ય કોઈ ઈલેક્ટ્રોનિક ઉપકરણો લઈ જઈ શકશે નહી. મતગણતરી મથક અને તેની ૨૦૦ મીટરની ત્રિજ્યાના વિસ્તારમાં કોઈપણ વ્યક્તિ વાહન લઈ જઈ શકશે નહીં. મતગણતરી મથક અને તેની ૨૦૦ મીટરની ત્રિજ્યાના વિસ્તારમાં કોઈપણ વ્યક્તિ બાકસ, લાઈટર, ગેસ લાઈટર કે અન્ય સળગાવી શકાય તેવા પદાર્થો કે ચીજ વસ્તુઓ લઈ જઈ શકશે નહીં કે તેનો ઉપયોગ કરી શક્શે નહી. આ જાહેરનામું ચૂંટણી આયોગ દ્વારા નિયુક્ત ઓબ્ઝર્વરશ્રીઓ, ચૂંટણી ફરજ પરના સરકારી કર્મચારી/અધિકારીઓ તથા ચૂંટણી ફરજ પરના વાહનો, ચૂંટણી અધિકારીશ્રી અથવા મદદનીશ ચૂંટણી અધિકારીશ્રી અથવા પોલીસ અધિક્ષકશ્રી અધિકૃત કરે તેવા વ્યક્તિઓને લાગુ પડશે નહીં.

આ હુકમનું ઉલ્લંઘન કરનાર વ્યક્તિ કે કોઈ રાજકીય પક્ષ/ઉમેદવાર અથવા આવા કોઈ વ્યક્તિ દ્વારા આ નિયમોનો ભંગ કરવામાં આવશે તો ભારતીય ન્યાય સંહિતા-૨૦૨૩ની કલમ-૨૨૩ મુજબ શિક્ષાપાત્ર કાર્યવાહીને પાત્ર ઠરશે.

ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા-૨૦૨૩ની કલમ-૨૧૫ની આદેશાત્મક જોગવાઇઓ ધ્યાને લઇ આ જાહેરનામા ભંગ બદલ ભારતીય ન્યાય સંહિતા-૨૦૨૩ની કલમ-૨૨૩ અન્વયે ગુના કામે આ જાહેરનામા હેઠળ તપાસ કરવાનાં, જાહેરનામાના પાલન કરાવવાનાં અને તપાસનાં અંતે ફરીયાદ રજૂ કરવાના અધિકાર જિલ્લાનાં પોલીસ અધિકારીશ્રીઓ તેમજ હેડ કોન્સ્ટેબલ કે તે ઉ૫રના કર્મચારીઓને રહેશે.