મનમોહનસિંહને `મરણોત્તર’ ન્યાય
દેશના દિવંગત પૂર્વ વડાપ્રધાન મનમોહનસિંહને `મરણોત્તર’ ન્યાય મળ્યો છે. સુપ્રીમ કોર્ટે બુધવારે કોલસા કૌભાંડ કેસમાં આરોપી તરીકે જારી સમન્સ રદ કરતાં ડો. સિંહને ક્લીનચીટ આપી દીધી હતી. સર્વોચ્ચ અદાલતે બુધવારે 2015ના સ્પેશિયલ સીબીઆઇ કોર્ટના એ આદેશને રદ કર્યો હતો,જેમાં પૂર્વ વડાપ્રધાનને આરોપી તરીકે સમન્સ મોકલાયો હતો. દેશના મુખ્ય ન્યાયમૂર્તિ સૂર્યકાંત, જસ્ટિસ જોય માલ્યા બાગચી અને વી. મોહનાની ખંડપીઠે સીબીઆઇ દ્વારા દાખલ કરાયેલો ક્લોઝર રિપોર્ટ સ્વીકારી લીધો હતો. સુપ્રીમ કોર્ટે જણાવ્યું હતું કે, ક્લોઝર રિપોર્ટ સીબીઆઇ તરફથી આવી ગયા પછી ડો. સિંહને સમન્સ જારી કરવો કાનૂની રીતે ખોટો ફેંસલો હતો. સુપ્રીમે સ્વીકાર્યું હતું કે, તપાસ બાદ સીબીઆઇ ટીમે મનમોહનસિંહને નિર્દોષ ઠેરવ્યા હતા. નીચલી અદાલત પાસે ક્લોઝર રિપોર્ટ ફગાવવાનો કોઇ જ આધાર નહોતો. ખંડપીઠે આજના આદેશમાં સ્પષ્ટ કર્યું હતું કે, ટ્રાયલ કોર્ટ જજે ક્લોઝર રિપોર્ટ સ્વીકારવાના નિયત કાયદા પાળવામાં ભૂલ કરી હતી. મનમોહનસિંહને ક્લીનચીટ આપ્યા પછી જજે એ અહેવાલ કેમ ફગાવ્યો તેવો સવાલ સુપ્રીમે કર્યો હતો .