ભાજપ લઘુમતી મોરચાના રાષ્ટ્રીય મહામંત્રી કચ્છના પ્રવાસે : લોકોમાં અભૂતપૂર્વ ઉમળકો

કચ્છમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટી દરેક મોરચે સક્રિય પ્રચારમાં અગ્રેસર રહી છે. કચ્છમાં સૌનો સાથ, સૌનો વિકાસ અને સૌના વિશ્વાસની કટીબદ્ધતાને આગળ વધારતાં ભાજપના લઘુમતી મોરચાના રાષ્ટ્રીય મહામંત્રીએ કચ્છનો વ્યાપક પ્રવાસ કરી બહોળી માત્રામાં મુસ્લિમ બિરાદરોને મળીને સૌને ભાજપ તરફી જંગી મતદાન કરવા અપીલ કરી હતી.
ભારતીય જનતા પાર્ટી લઘુમતી મોરચાના રાષ્ટ્રીય મહામંત્રી ડો. મહેબૂબઅલી કે. ચિશ્તીએ કચ્છના વિવિધ સ્થળોએ પ્રવાસ કરી ભાજપનો વ્યાપક પ્રચાર પ્રસાર કરવા ઉપરાંત અનેક લોકોનો વ્યક્તિગત સંપર્ક કરીને તેમની સાથે ગોષ્ઠિ કરી હતી. કચ્છ પ્રવાસમાં તેમની સાથે કચ્છ ભાજપ લઘુમતી મોરચાના અધ્યક્ષ આકીબભાઈ બાયડ સહિત અન્ય અગ્રણીઓ પણ જોડાયા હતા.
ડો. ચિશ્તીએ ભુજના વોર્ડ નંબર ૧, ૨ અને ૩ કે જ્યાં મુસ્લિમ બહુમતી મતદારો છે, ત્યાં વિશેષ જનસંપર્ક કરી ભુજ નગરપાલિકામાં ભાજપ તરફી પ્રચંડ મતદાન કરવા અપીલ કરી હતી. આ ઉપરાંત તેમણે ખાવડા, લખપત સહિત અનેક જગ્યાએ સભાઓ કરી કચ્છનો એક સફળ પ્રવાસ સંપન્ન કર્યો હતો.
ખાસ કરીને ભુજના વોર્ડ નંબર ૧,૨,અને ૩ ના મતદારોને સંબોધતાં ડો. ચિશ્તીએ કહ્યું હતું કે કોંગ્રેસે લઘુમતીના મતોનો માત્ર ઉપયોગ જ કર્યો છે અને મુસ્લિમ સમાજને નુકસાન પહોંચાડવામાં કોઈ કસર છોડી નથી. કોંગ્રેસમાં મુસ્લિમ સમાજનું સ્થાન માત્ર કાગળ ઉપર જ અને માત્ર અને માત્ર ચૂંટણીલક્ષી રાજકારણ માટે જ છે. દાયકાઓથી મુસ્લિમ સમાજનું કોંગ્રેસે હમેશાં શોષણ જ કર્યું છે ત્યારે હવે મુસ્લિમ ભાઈઓએ વાસ્તવિકતા સમજી જવું જોઈએ અને સૌનો સાથ, સૌનો વિકાસ થવા જઈ રહ્યો છે ત્યારે મુખ્ય ધારામાં જોડાઈ ભાજપને ભવ્ય બહુમતીથી જીતાડવો જોઈએ. ભુજના વોર્ડ ૧,૨ અને ૩ ના તેમના પ્રવાસમાં તેમની સાથે શ્રી બાયડ ઉપરાંત ત્રણેય વોર્ડના ઇન્ચાર્જ રાહુલભાઈ ગોર, બાલકૃષ્ણ મોતા, કાસમભાઈ કુંભાર, લઘુમતી મોરચાના મહામંત્રી મામદશા શેખ, ભુજ શહેર લઘુમતી મોરચા પ્રમુખ સલીમભાઈ મોગલ તેમજ લઘુમતી મોરચાના તમામ હોદેદારો સાથે જોડાયા હતા.
ડો. ચિશ્તીના પ્રવાસ દરમિયાન સાંસદ વિનોદભાઈ ચાવડા, જીલ્લા ભાજપ મહામંત્રી હિતેશભાઈ ખંડોર, ઉપાધ્યક્ષ વિકાસભાઈ રાજગોર, અલીમામદ જત, ફારૂક સમા સહિત મંડલના અને મોરચાના હોદેદારો તેમજ બહોળી સંખ્યામાં કાર્યકરો અને મતદારો ઉપસ્થિત રહ્યા હતા એવું મીડિયા ઇન્ચાર્જ સાત્વિકદાન ગઢવી અને સહ ઇન્ચાર્જ સૂનીલ માંકડની સંયુક્ત યાદીમાં જણાવાયું હતું.