કચ્છ જીલ્લા ભાજપ અધ્યક્ષ દેવજીભાઈ વરચંદ દ્વારા છેલ્લા 12 દિવસ દરમિયાન કચ્છની છ એ છ વિધાનસભા બેઠકો પર ઝંઝાવાતી પ્રચાર

જીલ્લા અધ્યક્ષના વિવિધ બેઠકો પૈકી શહેરી, ગ્રામ્ય, અંતરિયાળ, દુર્ગમ વિસ્તારોના અવિરત પ્રવાસ દરમિયાન મળેલ અભૂતપૂર્વ જનસમર્થનથી એક ઐતિહાસિક જીત નિશ્ચિત

જિલ્લા ભાજપ અધ્યક્ષે જિલ્લાભરના પ્રવાસ બાદ કચ્છના લોકોની મોદીજીની સેવા અને રાષ્ટ્રવાદની રાજનૈતિક વિચારધારામાં ભારોબાર વિશ્વાસ હોવાની ખુશી વ્યક્ત કરી

સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણીના પ્રચાર પ્રસાર જોરશોરથી ચાલુ છે ત્યારે ક્ચ્છ જિલ્લા ભાજપ અધ્યક્ષ દેવજીભાઈ વરચંદે જિલ્લાભરની વિવિધ સીટોના પ્રવાસમાં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારોને મળી રહેલા જનસમર્થનને જોઈ જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ભાજપને ભારે બહુમતી મળશે તેવો દ્રઢ વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.

જિલ્લા અધ્યક્ષ દ્વારા ઉમેદવારોની પસંદગી પ્રક્રિયા પૂર્ણ થવાની સાથે જ સમગ્ર કચ્છના ખૂણાખૂણાનો પ્રવાસ શરૂ કરી દેવાયો હતો અને અત્યાર સુધી જિલ્લાની વિવિધ જિલ્લા પંચાયતોની સીટો તેમજ નગરપાલિકાઓમાં પ્રવાસ કરી સભાઓ, સંમેલનો, બેઠકો, પોકેટ મિટિંગ, ખાટલા પરિષદો, કાર્યાલયોના ઉદ્ઘાટનો, સામૂહિક લોકસંપર્ક, વ્યક્તિગત મુલાકાતો તેમજ અલગ અલગ સામાજીક આગેવાનો સાથે બેઠકો યોજીને એક જોશીલા, વેગવંતા અને અવિરામ પ્રચાર પ્રસાર દ્વારા ભારતીય જનતા પાર્ટીને ભવ્યાતિભવ્ય વિજય અપાવવા લોકોને અપીલ કરી હતી.

જીલ્લા અધ્યક્ષે કરેલા પ્રવાસમાં લખપત તાલુકાના દયાપર અને ગાંધીધામ મહાનગર ખાતે મુખ્યમંત્રીશ્રી સાથે વિકાસ સંકલ્પ સભા, અંજાર શહેર અને તાલુકા મંડળ સાથે બેઠકો તેમજ અંજાર ખાતે પ્રબુદ્ધ નાગરિક સંમેલન, રતનાલ ખાતે જિલ્લા અને તાલુકા પંચાયત બેઠકોના કાર્યાલયનું ઉદ્ઘાટન, મુન્દ્રા તાલુકાના ભદ્રેશ્વર જિલ્લા પંચાયત સીટના કાર્યાલયનું ઉદ્ઘાટન અને લોકસંપર્ક, મુન્દ્રા શહેર મંડળ સાથે બેઠક, ભુજ તાલુકાની માધાપર અને સુમરાસર જિલ્લા પંચાયત બેઠકોના કાર્યાલયોના ઉદ્ઘાટન, નિરોણા જિલ્લા પંચાયતના મધ્યસ્થ કાર્યાલયનું ઉદ્ઘાટન, રાપર જિલ્લા અને તાલુકા પંચાયત બેઠકોના મધ્યસ્થ કાર્યાલયોને ખુલ્લા મુકવા સાથે લોકસંપર્ક, માંડવી તાલુકાના મોમાયમોરા ખાતે તલવાણા બેઠકના ઉમેદવારના સમર્થનમાં વિજય વિશ્વાસ સંમેલન ઉપરાંત ભુજ નગરપાલિકા અને ગાંધીધામ મહાનગરપાલિકાના વિવિધ વોર્ડના કાર્યાલયોના ઉદ્ઘાટન અને લોકસપર્કમાં જોડાયા હતા. નખત્રાણા ખાતે જિલ્લા અધ્યક્ષના પ્રવાસમાં આમ આદમી પાર્ટીના અધ્યક્ષ ભાજપમાં જોડાયા હતા.

શ્રી વરચંદે પ્રવાસ દરમિયાન લોકો દ્વારા ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારોને મળી રહેલા જનસમર્થનને જોઈ જણાવ્યું હતું કે લોકોનો ભાજપ માટેનો પ્રેમ અને કાર્યકરોનો બુલંદીએ પહોંચેલો ઉત્સાહ જોઈને આ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ભાજપ વિરોધીઓના ગઢને સંપૂર્ણ ધરાશાયી કરીને સફળતાપૂર્વક ભારે બહુમતીથી તમામ જિલ્લા પંચાયત બેઠકો, તમામ તાલુકા પંચાયતો અને બધી જ નગરપાલિકાઓમાં ભારતીય જનતા પાર્ટીનું કમળ સોળે કળાએ ખીલશે.

વિશેષમાં શ્રી વરચંદે જણાવ્યું હતું કે જયારે સમગ્ર દેશ અને ગુજરાત વિકાસની હરણફાળ ભરી રહ્યું છે ત્યારે કચ્છ પણ બાકાત નથી. કચ્છમાં પણ ભારતીય જનતા પાર્ટીના શાસનમાં અગણિત વિકાસકામો થયાં છે ત્યારે લોકોને આ કામોથી રાજીપો છે અને સાથે સાથે વિકાસની નિરંતર પ્રક્રિયાના ભાગરૂપે બાકી રહેલા કામો પણ આગામી સમયગાળા ભાજપ દ્વારા સવેળા પૂર્ણ થશે એવો કચ્છના લોકોને સંપૂર્ણ વિશ્વાસ અને ભરોસો છે.

જિલ્લા ભાજપ અધ્યક્ષ શ્રી વરચંદે સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણી જાહેર થયા બાદ વિવિધ વિધાનસભા વિસ્તારોમાં કરેલા પ્રવાસમાં તેમની સાથે પ્રદેશ મહામંત્રી અનિરુદ્ધભાઈ દવે, અજયભાઇ બ્રહ્મભટ્ટ, જિલ્લા ભાજપ પ્રભારી ફલજીભાઈ ચૌધરી, રાજ્યમંત્રી ત્રિકમભાઇ છાંગા, સાંસદ વિનોદભાઈ ચાવડા, ધારાસભ્યો કેશુભાઈ પટેલ, પ્રદ્યુમનસિંહ જાડેજા, વિરેન્દ્રસિંહ જાડેજા, માલતીબેન મહેશ્વરી, પૂર્વ જિલ્લા પંચાયત પ્રમુખ જનકસિંહ જાડેજા,  પ્રદેશ કારોબારી સદસ્ય અરજણભાઈ રબારી, જિલ્લા ભાજપ મહામંત્રીઓ ધવલભાઈ આચાર્ય, હિતેષભાઇ ખંડોર, ભીમજીભાઈ જોધાણી સહિત જીલ્લા ભાજપના હોદેદારો, વિવિધ મંડલ અને મોરચાના પ્રમુખ અને મહામંત્રીઓ,  પાર્ટીના આગેવાનો, કાર્યકરો, સામાજીક સંસ્થા, વ્યાપારી મંડળોના આગેવાનો સાથે જોડાયા હતા તેમજ અનેક ધર્મગુરુઓના આશીર્વાદ મેળવ્યા હોવાનું ક્ચ્છ જિલ્લા ભાજપ મીડિયા ઇન્ચાર્જ સાત્વિકદાન ગઢવી તેમજ સહ ઇન્ચાર્જ ચેતનભાઈ કતીરાની યાદીમાં જણાવાયું હતું.