૩૮૦ કરોડના હેરોઈન કેસમાં ૬ પાકિસ્તાની આરોપીને ૨૦ વર્ષની સજા ફટકારાઇ;ભુજ કોર્ટે કડક ચુકાદો આપ્યો

copy image

copy image

કચ્છમાં નોંધપાત્ર ચર્ચામાં રહેલા ૩૮૦ કરોડના હેરોઈન કૌભાંડ મામલે નામદાર અદાલતે મહત્વપૂર્ણ ચુકાદો આપતા ૬ પાકિસ્તાની આરોપીઓને ૨૦ વર્ષની કેદ તેમજ દરેકને રૂપિયા ૨ લાખનો દંડ ફટકાર્યો છે.સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ, આ સમગ્ર કેસમાં ગુજરાત એન્ટી ટેરરિઝમ સ્ક્વોડ (ATS)ને વિશ્વસનીય સૂત્રો દ્વારા બાતમી મળેલ કે પાકિસ્તાનના કરાંચી બંદરથી “અલ હુસેની” નામની બોટ મારફતે જખૌ દરિયાકાંઠા નજીક ગેરકાયદે હેરોઈનનો જથ્થો ભારતમા ઘુસાડવાનો પ્રયાસ થઈ રહ્યો છે.બાતમીના આધારે ATS અને કોસ્ટગાર્ડ દ્વારા સંયુક્ત ઓપરેશન હાથ ધરાયું હતું.તારીખ ૧૮ થી ૨૦ ડિસેમ્બર ૨૦૨૧ દરમિયાન દરિયામાં વોચ રાખવામાં આવી હતી.દરમિયાન શંકાસ્પદ બોટ રડારમાં દેખાતા તેને રોકી તપાસ કરાતા બોટમાં બેઠેલા ૬ પાકિસ્તાની નાગરિકોને ઝડપીલેવાયા હતા. તેમજ બોટમાં રહેલ પાંચ થેલામાંથી કુલ ૭૬.૯૩૬ કિલો હેરોઈન મળી આવ્યું હતું, જેની બજાર કિંમત અંદાજે રૂપિયા ૩૮૪.૬૮ કરોડ છે.આ મામલે ATS પોલીસ સ્ટેશનમાં NDPS એક્ટ હેઠળ ગુનો નોંધાયો હતો અને આગળની કાર્યવાહી હાથ ધરાઈ હતી.તપાસ પૂર્ણ થયા બાદ કેસ કચ્છના ભુજ સ્થિત વિશેષ NDPS કોર્ટમાં ચલાવવામાં આવ્યો હતો. પ્રોસિક્યુશન દ્વારા ૨૦૩ દસ્તાવેજી પુરાવા અને ૧૩ સાક્ષીઓ રજૂ કરવામાં આવ્યા હતા.જે બાદ નામદાર અદાલતે તમામ પુરાવાઓનું મૂલ્યાંકન કરી આ ગુનાને ગંભીર બતાવી જણાવ્યું હતું કે આવા નશીલા પદાર્થોના વેપારથી દેશની આંતરિક સુરક્ષા અને યુવાનોના ભવિષ્ય પર ગંભીર અસર પડે છે. જેના આધારે તમામ આરોપીઓને ભુજ કચ્છના નામદાર છઠ્ઠા અધિક સેશન્સ અને સ્પેશિયલ એનડીપીએસ જજ વી.એ.બુધ્ધએ દોષિત ઠેરવી ૨૦ વર્ષની સખત કેદ તથા દંડની સજા ફટકારવામાં આવી હતી.આ કેસમાં સરકાર પક્ષે મુખ્ય જિલ્લા સરકારી વકીલ એચ.બી. જાડેજાએ અસરકારક દલીલો રજૂ કરી હતી.