કચ્છ જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટરશ્રી આનંદ પટેલ દ્વારા ભુજના મતદાન મથકોની નિરીક્ષણ મુલાકાત

કચ્છ જિલ્લામાં ચાલી રહેલી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓની મતદાન પ્રક્રિયાના નિરીક્ષણને લઈને કચ્છ જિલ્લા કલેક્ટર અને જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી આનંદ પટેલે આજરોજ ભુજ શહેરના વિવિધ મતદાન મથકોની રૂબરૂ મુલાકાત લીધી હતી.
કલેક્ટરશ્રી આનંદ પટેલે ભુજના આરટીઓ રિલોકેશન હિન્દી શાળા નંબર ૧૪ ખાતે આવેલા પોલિંગ બૂથની મુલાકાત લીધી હતી. આ મતદાન મથકોની મુલાકાત દરમિયાન
કલેક્ટર અને જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી આનંદ પટેલે મતદાન મથકો પર ફરજ બજાવતા પ્રિસાઇડિંગ ઓફિસર્સ અને અન્ય ચૂંટણી કર્મચારીઓ સાથે વાતચીત કરી હતી તેમજ મતદાન પ્રક્રિયાની સમીક્ષા કરી વ્યવસ્થાપન અંગે સંતોષ વ્યક્ત કર્યો હતો. તેઓએ મતદાતાઓને મતદાન પ્રક્રિયા વખતે કોઈ જ અગવડતા ન પડે તે રીતે કામગીરી કરવા અધિકારીશ્રી-કર્મચારીશ્રીઓને જણાવ્યું હતું.
કલેક્ટરશ્રી આનંદ પટેલે લોકશાહીના આ પર્વમાં પોતાના મતાધિકારનો ઉપયોગ કરવા આવેલા સ્થાનિક મતદાતાઓ સાથે પણ આત્મીય સંવાદ સાધ્યો હતો. કલેક્ટરશ્રીએ મતદાતાઓને મતદાન મથક પરની સુવિધાઓ અને તેમના મતદાનના અનુભવ વિશે પૃચ્છા કરી હતી.
ઉલ્લેખનીય છે કે, કલેક્ટરશ્રી આનંદ પટેલે પોતાના વતનના સ્થળ માટે પોસ્ટલ બેલેટથી મતદાન કરીને તેમની પવિત્ર ફરજ નિભાવી હતી.
મતદાન મથકોની મુલાકાત દરમિયાન જિલ્લા કલેક્ટરશ્રી આનંદ પટેલે કચ્છના મતદાતાઓને લોકશાહીના મૂલ્યોને વધુ સુદઢ અને મજબૂત બનાવવા માટે પોતાના મતાધિકારનો અચૂક ઉપયોગ કરી મહત્તમ સંખ્યામાં મતદાન કરવા માટે અપીલ કરી હતી. આ મુલાકાત દરમિયાન નાયબ જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી વિવેક બારહટ સહિત ચૂંટણી તંત્રના ઉચ્ચ અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.