ઈરાન સમજૂતીનો સ્વીકાર કરે અગર તેને અમેરિકાનાં ભારે બોમ્બમારાનો સામનો કરવો પડશે:ટ્રમ્પ
copy image

ઈરાન અને અમેરિકા વચ્ચે શાંતિ સમજૂતીની આશા બંધાઈ છે ત્યારે જ અમેરિકાનાં રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ફરી એકવાર ઈરાનને ચેતવણી આપતા કહ્યું છે કે, ઈરાન યા તો યુદ્ધ સમાપ્તી માટે પ્રસ્તાવિત સમજૂતીનો સ્વીકાર કરે અગર તેને અમેરિકાનાં ભારે બોમ્બમારાનો સામનો કરવો પડશે. ત્યારે બીજીબાજુ ઈરાન અમેરિકાનાં 14 સૂત્રી પ્રસ્તાવ ઉપર વિચારણા કરી રહ્યું છે અને પાકિસ્તાનનાં માધ્યમથી આનો પ્રત્યુત્તર પણ આપવાની તૈયારી છે. ટ્રમ્પે સોશિયલ મીડિયા ઉપર લખ્યું હતું કે, જો ઈરાન શરતો માનવા તૈયાર થઈ જાય તો ઓપરેશન એપિક ફ્યૂરી તુરંત બંધ થઈ જશે પણ જો તે સહમત નહીં થાય તો બોમ્બમારો શરૂ થઈ જશે. જે અગાઉ કરતાં વધુ વિનાશકારી હશે. અમેરિકા અને ઈરાન યુદ્ધ સમાપ્ત કરવા માટે એક સમજૂતી કરાર ઉપર સહમત થવાની અણીએ હોવાનાં અહેવાલો પછી ટ્રમ્પની નવેસરથી ધમકી આવી છે. આટલું જ નહીં તેમણે પાકિસ્તાનનાં માધ્યમથી ઈરાન સાથે પ્રત્યક્ષ કે પરોક્ષ વાટાઘાટની સંભાવનાને પણ બહુ દૂરની વાત ગણાવી દીધી છે તેવામાં બીજીબાજુ ટ્રમ્પની ધમકી પછી પણ ઈરાને હોર્મુઝમાંથી વહન માટે એક નવી વ્યવસ્થા લાગુ કરી દીધી છે. જેમાં કોઈપણ જહાજને હોર્મુઝ જળમાર્ગમાંથી પસાર થવા માટે પહેલા ઈરાન પાસેથી પરમિટ લેવી જરૂરી બનશે.