રાજ્યમાં સર્વાઇકલ કેન્સરથી રક્ષણ માટે વેક્સિનેશનનો આંકડો 5 લાખને પાર, પરંતુ અમદાવાદમાં રસીકરણની ગતિ ધીમી

COPY IMAGE

COPY IMAGE

ગુજરાત સરકાર દ્વારા સર્વાઇકલ કેન્સર (ગર્ભાશયના મુખનું કેન્સર) ને જડમૂળથી ઉખેડવા માટે શરૂ કરવામાં આવેલા રસીકરણ અભિયાનમાં રાજ્યએ મોટી સિદ્ધિ હાંસલ કરી છે. મળતી માહિતી અનુસાર અત્યાર સુધીમાં રાજ્યની 5 લાખથી વધુ દીકરીઓને હ્યુમન પેપિલોમા વાયરસ (HPV) વેક્સિનનો પ્રથમ ડોઝ આપવામાં આવ્યો છે. જોકે, અન્ય જિલ્લાઓની સરખામણીએ અમદાવાદ શહેરમાં આ રસીકરણની ગતિ ચિંતાજનક રીતે ધીમી જોવા મળી રહી છે.આ અભિયાન હેઠળ 14 વર્ષ પૂર્ણ કરનાર અને 15મા જન્મદિવસમાં હજુ સમય હોય તેવી દીકરીઓને આવરી લેવામાં આવે છે. રાજ્યના ડેટા મુજબ, કુલ પાત્ર દીકરીઓ 5,62,324 છે, જેમાં 5,14,566 દીકરીઓને પ્રથમ ડોઝ અપાયો. અમદાવાદ કોર્પોરેશન વિસ્તારમાં 48,443 પાત્ર દીકરીઓ સામે માત્ર 22,813 (47%) નું જ રસીકરણ થયું છે. આરોગ્ય મંત્રીએ અભિયાનની સમીક્ષા કરતા જણાવ્યું હતું કે, “રાજ્યમાં અત્યાર સુધી લાખો દીકરીઓને રસી આપવામાં આવી છે, પરંતુ ગંભીર આડઅસરનો એકપણ કિસ્સો નોંધાયો નથી. આ રસી સંપૂર્ણ સુરક્ષિત છે. વાલીઓએ કોઈપણ પ્રકારના ડર વગર પોતાની દીકરીઓને આ સુરક્ષા કવચ અપાવવું જોઈએ.”રાજ્યની તમામ સરકારી મેડિકલ કોલેજો, જિલ્લા હોસ્પિટલો, સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલો તેમજ તમામ સામુદાયિક અને પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો (CHC/PHC) પર 14 વર્ષની તમામ દીકરીઓ માટે આ રસી ઉપલબ્ધ છે.