પ્રધાનમંત્રી સૂર્ય ઘર : મુફ્ત બીજલી યોજના અન્વયે સોલાર રૂફટોપ યોજનાનો લાભ લઈ પર્યાવરણનું જતન કરીએ

ભુજ પી.જી.વી.સી.એલ. વર્તુળ કચેરી દ્વારા જિલ્લામાં યોજના અંગે જનજાગૃતિ અભિયાન શરૂ ભુજ પી.જી.વી.સી.એલ. વર્તુળ કચેરી દ્વારા જિલ્લાના વિવિધ ગામોમાં સોલાર રૂફટોપ અંગેની સરકારની પ્રધાનમંત્રી સૂર્યઘર; મુફ્ત બીજલી યોજના
અંગે માહિતી આપવા માટે ગ્રામસભા યોજી અને નેશનલ પોર્ટલ ઉપર સોલાર રૂફટોપ અંગે રજીસ્ટ્રેશન કરવા તથા તેનાથી થતા ફાયદાઓ અંગેની વિસ્તૃત સમજણ લોકોને આપવામાં આવી રહી છે. તેમજ સોલાર પેનલના ઇન્સ્ટોલેશન ક્ષેત્રે ઉત્તમ કારકિર્દી બનાવવા માટે જરૂરી માર્ગદર્શન વિવિધ ઔદ્યોગિક તાલીમાર્થીઓને આપવામાં આવી રહી છે. સોલાર રૂફટોપમાં સરકાર દ્વારા મળતી તમામ સબસિડી અંગેની વિગતવાર સમજણ દરેક ક્ષેત્રે આપવામાં આવી રહી છે. ભુજ પી.જી.વી.સી.એલ. દ્વારા તમામ જનતાને અનુરોધ કરવામાં આવે છે કે મહત્તમ સોલાર રૂફટોપની પ્રધાનમંત્રી સૂર્યઘર મુફ્ત બીજલી યોજના અન્વયે લોકો પોતાના ઘર પર સોલાર સિસ્ટમ લગાવી પોતે જ વીજ ઉત્પાદન કરે તથા પોતે જ વપરાશ કરી વધારાની વીજળી નિયત કરેલ ભાવે પી.જી.વી.સી.એલ.ને આપી શકે એ માટે આ યોજનાનો મહત્તમ લાભ લેવા માટે પી.જી.વી.સી.એલ. ભુજ દ્વારા લોકોને અનુરોધ કરવામાં આવે છે. આ યોજના અંતર્ગત રજીસ્ટ્રેશન કરવા માટે નેશનલ પોર્ટલ http://pmsuryaghar.gov.in/ પર માત્ર આપના મોબાઈલ નંબર તેમજ આપના વીજ બિલના ગ્રાહક નંબરથી જ રજીસ્ટ્રેશન કરી શકો છો. ગ્રાહક ન્યૂનતમ ૧ KW થી કોઈ પણ ક્ષમતાની સિસ્ટમ બેસાડી શકે છે. આ માટે પ્રથમ ૧ KW માટે રૂ. ૩૦,૦૦૦ તેમજ વધુ ૧ KW એટલે કે કુલ ૨ KW સુધી કુલ રૂ. ૬૦,૦૦૦ તેમજ પછીના ૧ KW એટલે કે કુલ ૩ KW માટે કુલ રૂ.
૭૮,૦૦૦ રૂપિયા સબસિડી મળવા પાત્ર છે. માન્ય એજન્સીઓની યાદી દરેક વીજ વિતરણ કંપનીઓની વેબસાઇટ પર દરેક વીજ કચેરીએ ઉપલબ્ધ છે. આમ પ્રધાનમંત્રી સૂર્યઘર મુફ્ત બીજલી યોજનાનો મહત્તમ લાભ લઈ રાષ્ટ્રના વિકાસમાં સહભાગી બનીએ તેમ અધિક્ષક ઈજનેર પી.જી.વી.સી.એલ. વર્તુળ કચેરી ભુજની યાદીમાં જણાવ્યું છે.