‘PM મોદી વિશ્વના સૌથી કાર્યશીલ નેતા’ , રશિયન વિદેશમંત્રીએ પશ્ચિમી દેશોને આપ્યો કડક સંદેશ
copy image

દુનિયા જ્યારે બે ભાગમાં વહેંચાયેલી દેખાય છે ત્યારે રશિયાએ સ્પષ્ટ કરતાં જણાવ્યું છે કે ભારત તેનો સૌથી જૂનો અને ભરોસોપાત્ર મિત્ર છે. મળતી માહિતી અનુસાર બ્રિક્સ (BRICS)ની બેઠક માટે દિલ્હી રવાના થતા પહેલા રશિયાના વિદેશ મંત્રી સર્ગેઈ લાવરોવે પશ્ચિમી દેશોને કડક શબ્દોમાં સંદેશ આપ્યો છે. લાવરોવે જણાવ્યું કે, ‘હિન્દી-રશિયન ભાઈ-ભાઈ હવે માત્ર એક નારો નથી, પણ એક હકીકત છે.’ તેમણે ભારત અને રશિયાના સંબંધોને ‘રોક સોલિડ’ ગણાવ્યા અને કહ્યું કે રશિયાના ખૂણેખૂણામાં ભારત પ્રત્યે પ્રેમ જોવા મળે છે.દિલ્હીના પ્રવાસે આવતા પૂર્વે લાવરોવે પીએમ મોદીના હૃદયપૂર્વક વખાણ કર્યા હતા. તેમણે પીએમ મોદીને વિશ્વના સૌથી વધુ કાર્યશીલ નેતા તરીકે સંબોધિત કર્યા હતા. રશિયાના મતે, ભારત અત્યારે પીએમ મોદીના માર્ગદર્શન હેઠળ આર્થિક, સંરક્ષણ અને સાંસ્કૃતિક મોરચે ‘સુપર પાવર’ બનવાની દિશામાં તેજ ગતિએ આગળ વધી રહ્યું છે. લાવરોવે ભારપૂર્વક બતાવ્યું કે વડાપ્રધાનની મજબૂત વ્યૂહરચના અને કુશળતાને કારણે જ આજે સમગ્ર વિશ્વ ભારતની સંસ્કૃતિ અને સામર્થ્યનો સ્વીકાર કરી રહ્યું છે.વધુમાં લાવરોવે સ્પષ્ટપણે જણાવ્યું કે ગમે તેટલું બાહ્ય દબાણ હોય, ભારતને મળતા ઓઇલ, ગેસ અને કોલસાના પુરવઠામાં સહેજ પણ ઘટાડો થવા દેવામાં આવશે નહીં. ભારત અને રશિયા વચ્ચે તિરાડ પાડવાની કોશિશ કરનારા દેશોને પણ લાવરોવે આડે હાથ લીધા હતા. તેમણે કહ્યું કે કેટલાક દેશો પોતાના નિયમો બીજા પર લાદવા માંગે છે અને ‘બંધ બારણે’ કૂટનીતિ કરીને ભારત-રશિયાના સંબંધો નબળા પાડવાના પ્રયાસો કરે છે. જોકે, ભારત આ તમામ ચાલને સારી રીતે સમજે છે અને એટલે જ દુશ્મનોના દરેક ષડયંત્ર નિષ્ફળ જઈ રહ્યા છે. બ્રિક્સની આ બેઠક દરમિયાન ભારત અને રશિયા વચ્ચે કેટલાક એવા મોટા કરારો થઈ શકે છે જે આગામી સમયમાં વિશ્વના રાજકારણની દિશા બદલી નાખશે.