આદિપુર-અંજાર હાઇવે પર એસટી બસનો ગમખ્વાર અકસ્માત

આદિપુર અને અંજાર વચ્ચેના હાઇવે પર આજે સવારે એસટી બસ અને ડમ્પર વચ્ચે અકસ્માત સર્જાતા અફરાતફરી મચી ગઈ હતી. ગાંધીધામ-ભુજ રૂટની એસટી બસ નંબર GJ18 Z6146 ને ગંભીર અકસ્માત નડ્યો. મળતી માહિતી મુજબ હાઇવે પર આગળ જઈ રહેલા ડમ્પરના ચાલકે અચાનક જોરથી બ્રેક મારી દીધી. પાછળ આવી રહેલી એસટી બસના ડ્રાઈવરે ડમ્પર સાથે ભટકાતા બચાવવા સ્ટીયરિંગ એકદમ વાળી દીધું. જેના કારણે બસ કાબૂ બહાર જઈને ધડાકાભેર ડિવાઇડર સાથે અથડાઈ ગઈ. બસનો આગળનો ભાગ ભાંગી ગયો. બારીના કાચ તૂટ્યા. અકસ્માતના જોરદાર અવાજથી મુસાફરોમાં ચીસાચીસ મચી ગઈ. બસમાં સવાર 3 થી 4 મુસાફરોને નાની-મોટી ઈજાઓ પહોંચી છે. સદનસીબે કોઈ જાનહાનિ થઈ નથી. ડમ્પર ચાલકોની બેદરકારીના કારણે હાઇવે પર રોજેરોજ અકસ્માતો થઈ રહ્યા છે. ઓવરલોડ ડમ્પર, અચાનક બ્રેક, રોંગ સાઈડ ડ્રાઈવિંગ આ બધું સામાન્ય બની ગયું છે. એસટી ડ્રાઈવરની સમયસૂચકતાના કારણે મોટી દુર્ઘટના ટળી. જો બસ ડમ્પર સાથે અથડાઈ હોત તો અનેક જિંદગીઓ દાવ પર લાગી જાત.