મોદી નોર્વેના સર્વોચ્ચ સન્માન `ગ્રાન્ડ ક્રોસ ઓફ ધ રોયલ નોર્વેજિયન ઓર્ડર ઓફ મેરિટ’થી સન્માનિત

પાંચ દેશોના પ્રવાસના ચોથા ચરણમાં નોર્વે પહોંચેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીને સોમવારે નોર્વેના સર્વોચ્ચ સન્માન `ગ્રાન્ડ ક્રોસ ઓફ ધ રોયલ નોર્વેજિયન ઓર્ડર ઓફ મેરિટ’થી સન્માનિત કરાયા હતા. મોદી 43 વર્ષ બાદ નોર્વેની મુલાકાત કરનાર પ્રથમ વડાપ્રધાન બન્યા છે. આ મુલાકાત દરમ્યાન ભારતી અને નોર્વે વચ્ચે અવકાશ, સમુદ્ર સંશોધન સહિત ક્ષેત્રોમાં સહયોગના સમજૂતી કરાર થયા હતા. નોર્વે સહિત કુલ્લ 32 વૈશ્વિક સન્માન મોદી મેળવી ચૂક્યા છે. મોદીએ એલાન કર્યું હતું કે, આ સમજૂતી કરાર હેઠળ યુરોપ આવનારા 15 વર્ષમાં ભારતમાં 100 અબજ ડોલરના રોકાણ કરશે. જેનાથી 10 લાખ નોકરીઓઁ પેદા થશે. બંને નેતા વચ્ચે દ્વિપક્ષીય બેઠકમાં વેપાર, રોકાણ, હરિતઊર્જા, ટેકનોલોજી, વૈશ્વિક પ્રશ્નો સહિત અનેક મહત્ત્વના મુદ્દાઓ પર ચર્ચા થઇ હતી. વડાપ્રધાન મોદીએ જણાવ્યું હતું કે, નોર્વે આર્કટિક ક્ષેત્રનો મહત્ત્વપૂર્ણ દેશ છે. ઇસરો અને નોર્વે અવકાશ એજન્સી વચ્ચે અવકાશ સંશોધન ક્ષેત્રે સહયોગના સમજૂતી કરાર પણ કરાયા હતા. દરમ્યાન, આવતીકાલે મંગળવારે ઓસ્લોમાં યોજાનાર ત્રીજા ભારત-નોર્ડિક શિખર સંમેલનમાં મોદી સામેલ થશે, જેમાં નોર્વે, સ્વિડન, ડેન્માર્ક, ફિનલેન્ડ અને આઇસલેન્ડના નેતાઓ પણ હાજરી આપશે.