ગાય આધારીત પ્રાકૃતિક ખેતી સાથે પંચગવ્યમાંથી ૧૨૫ પ્રોડક્ટ બનાવીને કૃષિ આંત્રપ્રિન્યોર બન્યા નાની નાગલપરના ખેડૂત મેઘજીભાઇ હિરાણી

પ્રાકૃતિક ખેતીને પ્રોત્સાહન આપવા ગુજરાત સરકાર સક્રિય છે ત્યારે કચ્છના અંજાર તાલુકાના નાની નાગલપરના ૪૮ વર્ષીય મેઘજીભાઇ હિરાણી ગાય આધારીત ખેતી પ્રાકૃતિક ખેતી સાથે ગાયના ગોબર, ગૌમુત્ર, ધી, દૂધ, દહીંનો ઉપયોગ કરીને આ પંચગવ્યમાંથી ૧૨૫ જેટલી સ્વાસ્થ્યવર્ધક, ઘર ઉપયોગી ઇકોફ્રેન્ડલી પ્રોડક્ટ બનાવીને મનુષ્ય સાથે પ્રકૃતિના પણ ખરાઅર્થમાં રક્ષકની ભૂમિકા ભજવી રહ્યા છે. માત્ર ૪ એકર જમીન હોવા છતાં પણ પંચસ્તરીય મોડેલ અપનાવીને ઓછામાં ઘણું મેળવવાના રચનાત્મક વિચારોને કારણે તેઓ મૂલ્યવર્ધન ખેતીની દિશામાં અન્યો ધરતીપુત્રો માટે પ્રેરણાના સ્ત્રોત બન્યા છે.
મેઘજીભાઇ જણાવે છે કે, ૪ એકર જમીન હોવાથી વધુ ઉત્પાદન મેળવવાની લ્હાયમાં વર્ષ ૨૦૦૩ પહેલા ખૂબ જ મોટાપ્રમાણમાં રાસાયણિક ખેતી કરવાના કારણે જમીન બંજર બની ગઇ હતી, ઉપરાંત મોટું દેવું થઇ ગયું હતું. એક સમય એવો આવ્યો કે જમીનમાં કંઇ ઉગતું ન હતું તેથી ખેતી છોડીને બીજો કોઇ ધંધો કરવાનું વિચારતો હતો. આ સમય દરમિયાન જ પ્રાકૃતિક ખેતી અંગે સાંભળ્યું અને તેના એક સેમિનારમાં ભાગ લીધો. ફરી એક પ્રયાસના હેતુથી ૨ ગાય લીધી અને વર્ષ ૨૦૦૩થી પ્રાકૃતિક ખેતીનો પ્રારંભ કર્યો. ગૌમૂત્ર એકત્ર કરીને વર્મી કમોસ્ટ ખાતર બનાવવાનું શરૂ કર્યું. શરૂઆતના ૩ વર્ષ સંઘર્ષ થયો, પરંતુ રસાયણથી બગડેલી જમીન ધીરે ધીરે સુધરતા ખેતી સ્થિર બની. જંતુનાશકો અને રાસાયણિક ખાતર થકી અફળદ્રુપ થયેલી જમીનનો કાર્બન ૦.૨ થી ૦.૭ થઇ ગયો હતો, તે પ્રાકૃતિક ખેતીના પરીણામે સારામાં સારો આજે ૧.૬ પહોંચ્યો છે. તેઓ જણાવે છે કે, આ સાથે એક નવો પ્રયોગ કર્યો છે જેમાં, વાડીમાં અનેક જગ્યાએ ૧૦ ફુટ ઉંડા અને એક ફુટ પહોળા ખાડા બનાવ્યા છે. જેમાં કમ્પોસ્ટ ખાતર, ઘન જીવામૃત ભરી દેવામાં આવે છે. આ ખાડાથી વરસાદનું પાણી જમીનમાં ઉતરે છે, જમીન પોચી બને છે. સાથે આ જગ્યા અળસિયા અને સૂક્ષ્મજીવોનું ઘર બની ગઇ છે. જમીનની ફળદ્રુપતામાં વધારો થયો છે.
તેઓ પ્રાકૃતિક ખેતી અંગે જણાવે છે કે, તેઓ પંચસ્તરીય મોડેલ અપનાવ્યું છે. જેમાં મિશ્ર પાક સાથે ટેક્નોલોજીનો સમન્વય કરીને ઉત્પાદનો મેળવી રહ્યા છે. મિશ્ર પાકમાં તેઓ મલ્ચીંગની મદદથી શાકભાજી તથા મોટાપાયે ફુલોની ખેતી કરે છે. જંગલ જેવું મોડેલ પણ ઉભું કર્યું છે જેમાં ૧૦૯ પ્રકારના ફળાઉ અને ઔષધીય વૃક્ષો વાવ્યા છે. સિંદૂર, રૂદ્રાક્ષ, કરમંદા, અરીઠા, બીલી, ચીકુ, જાંબુ, ફાલસા વગેરે પાક સાથે પક્ષીઓને પણ ઉપયોગી બની રહે છે. તેમજ ભારે પવનમાં અન્ય પાકનું રક્ષણ કરે છે.
તેઓએ ઉમેર્યું હતું કે, સ્ટ્રોબેરી, અવાકાડો, ચેરી, લીચીનું પણ પ્રાયોગિક ધોરણે વાવેતર કરીએ છીએ. આ સાથે આવક વધારવા તેઓ માત્ર પાક ઉત્પાદન નહીં પરંતુ મૂલ્યવર્ધન ખેતીના વિચારને મૂર્તિમંત કર્યો છે. હાલ તેઓ ગાયના પંચગવ્ય આધારિત સ્વાસ્થયવર્ધક તથા ઘર કે ઓફિસ ઉપયોગી ઇકોફ્રેન્ડલી પ્રોડક્ટનું હોલસેલમાં ઉત્પાદનમાં કરે છે. જેમાં ગણેશચતૂર્થી માટે મોટાપાયે ગૌબરમાંથી બનાવેલી વિવિધ સાઇઝની ગણેશની મૂર્તિઓ, રક્ષાબંધન માટે ગૌબર રાખડી, ગૌબરના દીવા વગેરેનો સમાવેશ થાય છે. જેની ભારતના વિવિધ રાજ્યોમાં તેઓ નિકાસ કરે છે. આ સાથે તેઓ ૨૦૧૩થી પંચગવ્યના ઉત્પાદનો જેવા કે, નસ્ય, શેમ્પુ, દંતમંજન, કેશતેલ, ચામડીના રોગ માટે સ્નાન ચૂર્ણ, માલીશ તેલ, ગુલકંદ વગેરે બનાવીને તેનું પણ શહેરોમાં વેચાણ કરે છે.
બોકસ- ગૌબરમાંથી ૮ લાખથી વધુ દીવા તથા ૪૦ હજારથી વધુ ગણેશજીની મૂર્તિઓનું ઉત્પાદન
મેઘજીભાઇ જણાવે છે કે, આજે પ્રકૃતિ વિવિધ પ્રદૂષણથી દૂષિત થઇ રહી છે ત્યારે તેના જતન માટે ઇકોફ્રેન્ડલી મૂર્તિઓ કારગર છે. જેમાં આસ્થા સાથે પ્રકૃતિનું પણ કલ્યાણ છે. તેઓ જણાવે છે કે, ખેડૂતોને તેઓ આ અંગે તાલીમ પણ આપે છે. આ મૂર્તિ તથા દીવા બનાવવા માટે તેઓ ખાસ મશીનો બનાડાવ્યા છે. જેની મદદથી તેઓ દર વર્ષે ૮ થી ૧૦ લાખ ગૌબર દીવા તથા ગૌબરની ૪૦ થી ૫૦ હજાર મૂર્તિઓ બનાવીને ખેતી સિવાય વધારાની આવક કમાઇ રહ્યા છે. આ સાથે તેઓ ગૌબરમાંથી ચકલીઘર, ઝુમર, રાખડી, તોરણ, લટકણ, ઘડીયાલ, મોબાઇલ ચીપ, ગોબરમાળા, ધુપબત્તી જેવી અનેક વસ્તુઓ પણ બનાવે છે. આ કામગીરી માટે તેઓ ૧૭ જેટલી બહેનોને રોજગારી પણ આપી રહ્યા છે.
બોકસ- ગોબરગેસનો રસોઇ બનાવવા સાથે જનરેટરમાં કરાતો ઉપયોગ
રચનાત્મક વિચારસરણી ધરાવતા મેઘજીભાઇએ ૪૦ ગાયનું પાલન કરે છે. આ ગાયના ગૌબરનો તેઓ મહત્તમ ઉપયોગ કરી રહ્યા છે. ઇંધણની બચત માટે તેઓએ ૮૫ ક્યુબીક મીટરનો ગૌબરગેસ પ્લાન્ટ બનાવ્યો છે. તેમાંથી મળતા ગેસનો તેઓ રસોઇઘર તેમજ પંચગવ્યની પ્રોડક્ટ બનાવવામાં ઉપયોગ કરે છે પરંતુ લાઇટ ન હોય તો જનરેટર ચલાવવામાં પણ તેનો ઉપયોગ કરે છે. તેઓએ જણાવ્યું હતું કે, મારા આ પ્રયોગમાં માત્ર ૨૦ ટકા ડીઝલનો જ વપરાશ થાય છે, ૮૦ ટકા ગેસના વપરાશથી જનરેટર ચાલે છે. તેઓએ જણાવ્યું હતું કે, ગૌબરગેસના પ્લાન્ટમાંથી વેસ્ટમાં નીકળતી સ્લરીનો પણ અમે ઉપયોગ કરીએ છીએ. સ્લરીને ગાળી તેને સૂકવીને વિવિધ પ્રોડક્ટમાં તેના ઉપયોગ સાથે લીક્વીડનો ખાતરમાં વપરાશ થાય છે.
બોક્સ- ગૌબરની પ્રોડક્ટથી ઘર કે ઓફિસનું વાતાવરણ શુધ્ધ બને છે
મેઘજીભાઇ જણાવે છે કે, ઘરમાં ગૌબરની વસ્તુઓ મુકવાથી ઘર કે ઓફીસનું વાતાવરણ શુધ્ધ બને છે. ઉપરાંત જે ગાય દૂધ નથી આપતી તેના ગૌબર અને ગૌમૂત્રના ઉપયોગથી આવક મેળવી શકાય છે તેમજ પ્રકૃતિનું પણ જતન થાય છે.
બોકસ- ગૌબરની ટાઇલ્સનો સફળ પ્રયોગ
પહેલાના જમાનામાં લોકો ઘરની દિવાલ અને ફર્શ પર લીંપણ કરતા જેથી ઘરના ઉર્જાયુ્ક્ત વાતાવરણ ઘરમાં રહેનારા લોકોને ફાયદો પ્રાપ્ત થતો. આજે લોકો ઘરના મંદિર કે અન્ય જગ્યાએ લીંપણ કરવા ઇચ્છે તો પણ ગાય પાળી શકવા જગ્યા ન હોવાથી તે શક્ય બનતું નથી. તેથી આના રસ્તા માટે મેઘજીભાઇએ ગૌબરની ટાઇલ્સ બનાવવાનો વિચાર કર્યો અને અનેક અસફળતા બાદ આખરે તેઓને સફળતા મળી છે. તેઓએ હાલ પ્રાયોગિક ધોરણે થોડી માત્રામાં નાની ટાઇલ્સ બનાવી છે અને ઘરના મંદિરની દિવાલમાં લગાવી છે. હજુપણ આ દિશામાં તેમના પ્રયોગ ચાલી રહ્યા છે.
બોકસ- પ્રાકૃતિક ખેતી તથા પંચગવ્યના ઉત્પાદનો માટે ૮ હજારથી વધુ ખેડૂતોને આપી છે તાલીમ
મેઘજીભાઇ તેમની વાડી ખાતે દર બે માસે દેશભરના ખેડૂતોને પ્રાકૃતિક ખેતી તથા પંચગવ્યના ઉત્પાદનો બનાવવા અંગે નિવાસી તાલીમ આપે છે. વર્ષ ૨૦૧૬ થી પ્રારંભ કરેલ કૃષિ તથા ગૌઆધારિત પ્રોડક્ટના પ્રશિક્ષણ હેઠળ ૮૬૦૦થી વધુ ખેડૂતોને તેઓ તાલીમ આપી ચૂક્યા છે.