ઈરાનની નવી ચાલ: સમુદ્રની નીચેની ફાઇબર કેબલ પર ટેક્સ લગાડવાની તૈયારી
copy image

ઈરાન અને અમેરિકા વચ્ચે ચાલી રહેલા તણાવની અસર હવે માત્ર યુદ્ધના મેદાન સુધી સીમિત નથી રહી, પરંતુ તેની અસર ક્રૂડ ઓઇલની કિંમતોથી લઈને ગ્લોબલ સપ્લાય અને ઇન્ટરનેટ સુધી પહોંચી ગઈ છે. મળતી માહિતી અનુસાર આ જ કારણ છે કે હવે આ જંગ માત્ર બે દેશોની લડાઈ નથી રહી, પણ આખી દુનિયા માટે મોટી મુશ્કેલી બની ગઈ છે. સૈન્ય કાર્યવાહીથી શરૂ થયેલો આ વિવાદ હવે ધીમે-ધીમે સામાન્ય લોકોની જિંદગીના દરેક હિસ્સાને પ્રભાવિત કરી રહ્યો છે. ઓઇલ અને બજાર પર અસર બાદ હવે દુનિયા સામે એક નવી ચિંતા આવી છે ઇન્ટરનેટ પણ દબાણ લાવવા માટેનું એક મોટું હથિયાર બની શકે છે.હાલમાં જ ઈરાનના સૈન્ય પ્રવક્તા ઇબ્રાહિમ જોલ્ફાઘરીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર એક મોટી વાત કહી છે. તેમણે કહ્યું કે હવે તેઓ ઇન્ટરનેટ કેબલ પર ટેરિફ લગાવશે. આનો અર્થ એ થયો કે સમુદ્રની નીચે બિછાવેલી ઇન્ટરનેટ કેબલનો ઉપયોગ કરવા માટે દુનિયાની કંપનીઓએ ઈરાનને પૈસા ચૂકવવા પડી શકે છે. આ ચિંતાજનક બાબત છે, કારણ કે દુનિયાનું મોટાભાગનું ઇન્ટરનેટ આ જ કેબલ પર ચાલે છે. આપણે જે ઇન્ટરનેટ વાપરીએ છીએ, તે વાસ્તવમાં સમુદ્રની નીચે બિછાવેલી ફાઈબર કેબલ દ્વારા એક દેશને બીજા દેશ સાથે જોડે છે. આ વિવાદ ભારત માટે પણ ખૂબ જ ચિંતાજનક છે, કારણ કે આમાંની ઘણી ખરી કેબલ્સ સીધી ભારત સુધી આવે છે અને મુંબઈ તેમજ ચેન્નાઈ સાથે જોડાય છે. આ જ કેબલ ભારતને અખાતી દેશો, યુરોપ અને આફ્રિકા સાથે જોડે છે. ભારતની મોટી ટેલિકોમ કંપનીઓ જેવી કે એરટેલ અને જિઓ પણ આ જ નેટવર્ક સાથે જોડાયેલી છે. એવામાં જો આ દરિયાઈ રસ્તા પર કોઈ અવરોધ આવે છે, ફી વધે છે અથવા કેબલને નુકસાન પહોંચે છે, તો તેની સીધી અસર ભારતના સામાન્ય નાગરિકો પર પડશે.