અમેરિકાએ રશિયન ઓઇલની ખરીદી માટે વધુ એક વખત અસ્થાયી છૂટ
copy image

અમેરિકાએ રશિયન ઓઇલની ખરીદી માટે વધુ એક વખત અસ્થાયી છૂટ આપવાની જાહેરાત કરી છે. પ્રાપ્ત થતી માહિતી અનુસાર અમેરિકન નાણા મંત્રાલય દ્વારા રશિયન ઓઇલની ખરીદી માટે 30 દિવસની અસ્થાયી છૂટ આપવામાં આવી છે, જેનો સીધો ફાયદો ભારતને પણ મળી શકે છે. અમેરિકાએ કઈ શરતો સાથે આપી છૂટ? :અમેરિકન નાણા મંત્રી સ્કોટ બેસેન્ટ દ્વારા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર આ અંગેની સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે. તેમણે સ્પષ્ટ કર્યું છે કે આ છૂટ માત્ર એવા જ રશિયન ઓઇલ કાર્ગો પર લાગુ થશે જે પહેલાથી જ જહાજો પર લોડ થઈ ચૂક્યા છે અને સમુદ્રમાં અધવચ્ચે ઉભા છે. આ વ્યવસ્થા હેઠળ રશિયા સાથે ઓઇલના કોઈ નવા સોદા કે નવા એક્સપોર્ટને મંજૂરી આપવામાં આવશે નહીં. નોંધનીય છે કે હાલના યુદ્ધ બાદ આ ત્રીજી વખત છે જ્યારે અમેરિકાએ જનરલ લાયસન્સ દ્વારા સમુદ્રમાં ફસાયેલા જહાજોને રસ્તો સાફ કરવા માટેની મહોલત આપી છે.
ભારતને આ નિર્ણયથી કેવી રીતે થશે ફાયદો?
ભારત પોતાની જરૂરિયાતનું 85%થી વધુ ક્રૂડ ઓઇલ આયાત કરે છે. ફેબ્રુઆરી મહિનામાં અમેરિકા અને ઈરાન વચ્ચે શરૂ થયેલા યુદ્ધના કારણે સપ્લાય ચેન સંપૂર્ણપણે ખોરવાઈ ગઈ છે. આવા કપરા સમયમાં અમેરિકા તરફથી મળેલી 30 દિવસની મહોલત ભારતીય રિફાઇનરીઓ માટે આશીર્વાદરૂપ સાબિત થશે, કારણ કે તેઓ કોઈપણ અમેરિકન પ્રતિબંધના ડર વગર સમુદ્રમાં ફસાયેલા રશિયન જહાજોમાંથી ઓઇલની આયાત કરી શકશે. દુનિયાનો ત્રીજો સૌથી મોટો ક્રૂડ ઓઇલ આયાતકાર દેશ ભારત, પહેલાથી જ સસ્તા ભાવનો લાભ લેવા રશિયા પાસેથી ઓઇલ ખરીદી રહ્યો છે અને માર્ચ 2026માં ભારતે રશિયા પાસેથી રેકોર્ડ 22.5 લાખ બેરલ પ્રતિ દિન ક્રૂડ ઓઇલ આયાત કર્યું હતું. આ તમામ સ્થિતિ વચ્ચે ભારતે સોમવારે પોતાનું વલણ એકદમ સ્પષ્ટ કરી દીધું છે. ભારતે જણાવ્યું છે કે અમેરિકા તરફથી પ્રતિબંધોમાં છૂટ મળે કે ન મળે, તે રશિયા પાસેથી ક્રૂડ ઓઇલ ખરીદતું આવ્યું છે અને ભવિષ્યમાં પણ ખરીદવાનું ચાલુ જ રાખશે