કચ્છમાં ઉંદર પકડવાની જાળનાં ઉત્પાદન, વેચાણ તથા ઉપયોગ પર પ્રતિબંધ ફરમાવતાં જિલ્લા મેજીસ્ટ્રેટશ્રી દ્વારા જાહે૨નામું જારી કરાયું

સંયુક્ત પશુપાલન નિયામકશ્રી, ગુજરાત પ્રાણી કલ્યાણ બોર્ડ, ગાંધીનગરના પત્ર ક્રમાંક:ગુ.પ્રા.ક.બો/પ્રશા /કટમ/૧૦૭(૮૫)/૧૯૯૫-૨૦૯૬/૨૦૨૬ તા.૦૨/૦૫/૨૦૨૬ થી થયેલ સુચના અનુસાર ઉંદર પકડવાની જાળ (ગ્લુટ્રેપ) જેને ગ્લુ-બોર્ડ અથવા સ્ટીકી તરીકે પણ ઓળખવામાં આવે છે તે ઘાતક અને પ્રતિબંધિત છે. જેનો ઉપયોગ મોટાભાગે ઉંદરોને પકડવા માટે થાય છે. જ્યારે ઉંદર ગ્લુટ્રેપ વાળી સપાટી પર ચાલે છે અથવા ઉતરે છે ત્યારે ગુંદરની જાળમાં પકડાયા પછી પોતાની રીતે મુક્ત થવામાં અસમર્થ છે, જેનાં પરિણામે ડિહાઈડ્રેશન, ભુખમરો અને ગુંગળામણનાં કા૨ણે આખરે પીડાદાયક મૃત્યુ પામે છે. નામ.ગુજરાત હાઈકોર્ટમાં થયેલ Writ Petition (PIL) ૨૮/૨૦૨૪ સંદર્ભે તા.૧૮/૦૭/૨૦૨૪ નાં ઓરલ ઓર્ડરથી ગુજરાત પ્રાણી કલ્યાણ બોર્ડ દ્વારા પ્રસિદ્ધ કરાયેલ તા.૦૫/૦૯/૨૦૨૩ નાં “ઉંદર પકડવાની જાળ (ગ્લુટ્રેપ) નાં ઉત્પાદન, વેચાણ તથા ઉપયોગ પર પ્રતિબંધ” અંગેનાં પરિપત્રનાં ચુસ્ત અમલીકરણ બાબતે સચોટ કાર્યવાહી ક૨વા સુચના આપવામાં આવેલ છે. તેમજ પ્રાણી ક્રુરતા નિવારણ અધિનિયમ-૧૯૬૦ ની કલમ-૧૧ મુજબ કોઈપણ પ્રાણીની બિનજરૂરી પીડા, વેદના ન આપવા અંગે જોગવાઈ થયેલ છે.

સબબ, પ્રસ્તુત બાબતે કચ્છ વિસ્તારમાં ઉંદર પકડવાની જાળ (ગ્લુટ્રેપ) નાં ઉત્પાદન, વેચાણ તથા ઉપયોગ પર પ્રતિબંધ ફરમાવતુ જાહે૨નામુ બહાર પાડવુ યોગ્ય જણાય છે.

કચ્છ-ભુજ જિલ્લા મેજીસ્ટ્રેટશ્રી દ્વારા ભા૨તીય નાગરીક સુરક્ષા સંહિતા-૨૦૨૩ ની કલમ-૧૬૩ હેઠળ કચ્છ જીલ્લાનાં સમગ્ર વિસ્તારમાં ઉંદર પકડવાની જાળ (ગ્લુટ્રેપ) નાં ઉત્પાદન, વેચાણ તથા ઉપયોગ પ૨ પ્રતિબંધ મુકવા આદેશ જારી કરાયા છે.

આ જાહેરનામાનો ભંગ ક૨ના૨ વ્યક્તિ ભા૨તીય ન્યાય સંહિતાની કલમ-૨૨૩ મુજબ શિક્ષાને પાત્ર થશે.

આ જાહેરનામાનાં ભંગ બદલ ફરીયાદ ક૨વા માટે ફરજનાં પોલીસ હેડકોન્સ્ટેબલ કે તેનાથી ઉપરની કક્ષાના પોલીસ અધિકારીશ્રીઓને અધિકૃત કરવામાં આવે છે.