“સ્વચ્છતા સપ્તાહ અભિયાન” અંતર્ગત કચ્છના વિવિધ ગામોમાં ડ્રેઈન તથા ડ્રેઈન ટ્રીટમેન્ટ સિસ્ટમની વિશેષ સફાઈ કામગીરી હાથ ધરાઈ

સ્વચ્છતા સપ્તાહ અભિયાન અંતર્ગત કચ્છના તાલુકાના વિવિધ ગામોમાં ડ્રેઈન તથા ડ્રેઈન ટ્રીટમેન્ટ સિસ્ટમની વિશેષ સફાઈ કામગીરી હાથ ધરવામાં આવી હતી. ગામોમાં ગંદા પાણીના નિકાલની વ્યવસ્થાને સુચારૂ રાખવા તેમજ સ્વચ્છ અને સ્વસ્થ પર્યાવરણ જળવાઈ રહે તે હેતુથી ડ્રેઈન લાઈનો, ચેમ્બર તથા ડ્રેઈન ટ્રીટમેન્ટ સિસ્ટમની સફાઈ કરવામાં આવી હતી.
આ અભિયાન અંતર્ગત કચ્છના ભારાસર, નિરોણા, ભુટકીયા, સુવઇ, ભીમાસર, નલિયા, પ્રાન્ધો, માંડવી સહિતના ગામોમાં સફાઈ કામગીરી હાથ ધરવામાં આવી હતી. કાર્યક્રમ દરમિયાન ગ્રામ પંચાયતના પ્રતિનિધિઓ, ગામના આગેવાનો, ગ્રામજનો તથા સ્વચ્છતા કર્મચારીઓની ઉપસ્થિતિમાં ડ્રેઈન અને ટ્રીટમેન્ટ સિસ્ટમની સફાઈ કરવામાં આવી હતી. સાથે સાથે ગ્રામજનોને ડ્રેઈનમાં કચરો ન નાખવા, ગંદકી ન ફેલાવવા અને ગામને સ્વચ્છ રાખવા અંગે જાગૃત કરવામાં આવ્યા હતા.
આ ઉપરાંત ગામમાં આવેલ ગ્રે વોટર પોઇન્ટની મુલાકાત લઈ તેની વ્યવસ્થાની સમીક્ષા કરવામાં આવી હતી તેમજ ગ્રે વોટર પોઇન્ટની સફાઈ કરવામાં આવી. સ્વચ્છતા જાળવવાથી રોગચાળો અટકાવી શકાય છે તેમજ ગામનું આરોગ્યપ્રદ અને સુંદર વાતાવરણ જાળવી શકાય છે તે અંગે ગ્રામજનોને માહિતગાર કરવામાં આવ્યા હતા.
સ્વચ્છતાએ માત્ર અભિયાન નથી પરંતુ દરેક નાગરિકની જવાબદારી છે. ગામને સ્વચ્છ, હરિયાળું અને આરોગ્યપ્રદ બનાવવા માટે સૌએ સહભાગી બની સ્વચ્છતાના પ્રયાસોને સતત આગળ વધારવા સંકલ્પબદ્ધ થવા આગેવાનશ્રીઓએ ગ્રામજનોને જણાવ્યું હતું. આ કામગીરી દ્વારા ગંદા પાણીના નિકાલમાં સુધારો થાય, રોગચાળો અટકે અને સ્વચ્છતા અંગે લોકોમાં જાગૃતિ વધે તેવો સંદેશ આપવામાં આવ્યો હતો. ગ્રામજનો દ્વારા પણ સ્વચ્છતા જાળવવા માટે સહકાર આપવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરવામાં આવી હતી.