ભારતમાં સોનાનો મોટો ભંડાર મળ્યો, 4 જગ્યાએ કરાશે માઇનિંગ

copy image

 સમગ્ર વિશ્વમાં સોનાંની વધતી માંગ અને આકાશને આંબતી કિંમતો વચ્ચે ભારતમાં સોનાંનો એક મોટો ખજાનો હાથ લાગ્યો છે. સૂત્રોમાંથી મળતી માહિતી મુજબ દક્ષિણ ભારતના રાજ્ય આંધ્રપ્રદેશના કુર્નુલ જિલ્લામાં આવેલાં જોન્નાગિરી ગામમાં અંદાજે 50 ટન સોનાંનો ભંડાર હોવાની પુષ્ટિ થઈ છે. આ મોટી શોધ બાદ આંધ્રપ્રદેશ આગામી થોડા જ વર્ષોમાં દેશમાં સોનાંનો સૌથી મોટો સપ્લાયર પક્ષ બનીને ઊભરી શકે છે. આનાથી દેશમાં ન માત્ર સોનાંનું સ્થાનિક ઉત્પાદન વધશે, પરંતુ સોનાંની આયાત પર ભારતની નિર્ભરતા પણ ઘણી ઓછી થશે. માઇન્સ વિભાગના અગ્ર સચિવ મુકેશકુમાર મીણાએ એક પત્રકાર પરિષદમાં આ અંગેની મહત્ત્વની વિગતો શેર કરતાં જણાવ્યું હતું કે, એકલા જોન્નાગિરીમાં જ અંદાજે 50 ટન સોનું મોજૂદ હોવાનો અંદાજ છે. સ્થાનિક બજારમાં આ સોનાંની અંદાજિત કિંમત આશરે રૂા. 7,500 કરોડથી લઈને રૂા. 9,000 કરોડની વચ્ચે હોવાનું માનવામાં આવે છે.  લગભગ એક દાયકા પહેલા આ ગામમાં માઇનિંગ માટે 1,500 એકર જમીન ફાળવવામાં આવી હતી. હાલમાં માત્ર 500 એકર જમીન પર જ ખોદકામ અને સંશોધન થયું છે, જેમાંથી 13 ટન સોનાંનો અંદાજ મળ્યો છે અને બાકીની 1,000 એકર જમીન પર શોધખોળ થતાં આ આંકડો 50 ટન સુધી પહોંચી જશે. રાજ્ય સરકાર આ ખનિજસમૃદ્ધ વિસ્તારોના વધુ વિકાસ માટે પ્લાનિંગ કરી રહી છે. મુકેશકુમાર મીણાના જણાવ્યા મુજબ , સોનાંના માઇનિંગ માટે જોન્નાગિરી ઉપરાંત અન્ય ચાર સંભવિત જગ્યાઓની પણ ઓળખ કરવામાં આવી છે. સોનાંનું માઇનિંગ એ ખૂબ જ મોટું રોકાણ અને અત્યાધુનિક ટેક્નોલોજી માગી લેતું કામ હોવાથી સરકારે પારદર્શક ટેન્ડર પ્રક્રિયા દ્વારા આ માઇનિંગ રાઇટ્સ ખાનગી પ્લેયર્સને સોંપ્યા છે. આ પ્રોજેક્ટ આંધ્રપ્રદેશ અને ભારતની માઇનિંગ મહત્ત્વાકાંક્ષાઓ માટે એક ઐતિહાસિક સીમાચિહ્નરૂપ સાબિત થશે.