કચ્છ વહિવટીતંત્રે રૂ. ૧૭.૮૬ કરોડથી વધુ કિંમતની કુલ ૨,૩૭,૮૨૭ ચોરસ મીટર સરકારી જમીન દબાણમુક્ત કરાવી

કચ્છ જિલ્લા કલેક્ટરશ્રીના માર્ગદર્શન હેઠળ કચ્છ જિલ્લામાં અત્યારસુધીના સમયગાળા દરમિયાન સમગ્ર જિલ્લા વહિવટીતંત્રના સંકલનમાં રહી પોલીસ વિભાગ, ફોરેસ્ટ વિભાગ, પ્રાંત અધિકારીશ્રીઓ તથા વિવિધ તાલુકાના મામલતદારો દ્વારા સંયુક્ત રીતે ગેરકાયદેસર દબાણ હટાવવાની ઝુંબેશરૂપ કામગીરી હાથ ધરવામાં આવી હતી. આ કામગીરી અંતર્ગત જિલ્લાના ૧૦ તાલુકાઓમાં કુલ ૧૫૪ ગેરકાયદેસર દબાણો દૂર કરીને ૨,૩૭,૮૨૭ ચોરસ મીટર સરકારી જમીન દબાણમુક્ત કરાવવામાં આવી છે, જેની અંદાજિત કિંમત રૂ. ૧૭,૮૬,૩૩,૩૫૭/- જેટલી થાય છે.
આ ઝુંબેશ હેઠળ દૂર કરાયેલા કુલ ૧૫૪ દબાણોમાં ૪૦ ધાર્મિક, ૯૧ વાણિજ્યિક તથા ૨૩ અન્ય પ્રકારના દબાણોનો સમાવેશ થાય છે. તાલુકાવાર કામગીરીમાં ભુજ તાલુકામાં સૌથી વધુ ૫૧ દબાણો દૂર કરવામાં આવ્યા છે. આ ઉપરાંત નખત્રાણા તાલુકામાં ૨૫, અંજાર તાલુકામાં ૧૬, લખપત અને માંડવી તાલુકામાં ૧૩-૧૩, મુન્દ્રા અને અબડાસા તાલુકામાં ૯-૯, ગાંધીધામ તાલુકામાં ૮, રાપર તાલુકામાં ૬ અને ભચાઉ તાલુકામાં ૪ દબાણો દૂર કરીને નોંધપાત્ર જમીન દબાણમુક્ત કરાવવામાં આવી છે.
કચ્છ જિલ્લા વહીવટીતંત્ર દ્વારા સરકારી જમીન અને જાહેર મિલકતોનું સંરક્ષણ સુનિશ્ચિત કરવા માટે ગેરકાયદેસર દબાણો સામેની કામગીરી આગામી સમયમાં પણ નિયમિત રીતે ચાલુ રાખવામાં આવશે.