મુંદરા હત્યાના કેસમાં આરોપીને બિહારથી ઝડપી લાવતી મુંદરા પોલીસ.

ગત તા. 2/7ના સાંજે મુંદરામાં ટી-પોઈન્ટ પાસે મૂળ બિહારના એવા ૩૫ વર્ષીય યુવાનના મોંઢા પર ઘા મારી હત્યા અજાણ્યા શખ્સે નીપજાવ્યાનો બનાવ સામે આવ્યો હતો. સૂત્રો માંથી મળતી મુજબ તપાસમાં આ હત્યા આરોપીએ લાકડાના ધોકા મારી કરી હોવાનું સામે આવ્યું હતું. આ હત્યાનો ભેદ ઉકેલવા મુંદરા પોલીસે અગલ-અલગ ટીમો બનાવી છાનબીન – પૂછતાછનો દોર આરંભતાં આરોપી દ્વારા હત્યા નીપજાવી પોતાના વતન ખાતે નાસી છૂટયો હોવાની વિગતો મળી હતી. આરોપી હાલ બિહારના ડુમરિયા ગામે પોતાની ઓળખ છુપાવીને રહેતો હોવાની મુંદરા પોલીસને ખાનગી બાતમી મળી હતી. આથી મુંદરા પોલીસની ટીમના પીએસઆઈ ડી.જે. ઠાકોર સર્વેલન્સ સ્ક્વોડની ટીમ બિહારના ડુમરિયા ગામે પહોંચી પ્રથમ ત્યાંનાં પહેરવેશનાં કપડાં મેળવી બિહારી વેશભૂષા ધારણ કરીને સ્થાનિકોના સંપર્કોના આધારે બિહારના આર.ટી.ઓ. રજિ.વાળાં વાહનો મેળવી આરોપીને કોઈ પ્રકારનો શક-વહેમ ન જાય તેની સાવચેતી રાખી આરોપીના સંભવિત ઠેકાણાની ખરાઈ કરી ટેકનિકલ સોર્સના આધારે ડુમરિયા ગામની કેનાલ પાસે બાઈક લઈને નીકળતા આરોપીને ઓળખી તેનો પીછો કરી કાયદેસરની અટક કરી હતી. આ હત્યા પાછળનું કારણ જાણવા મુંદરા પોલીસનો સંપર્ક કરતાં હત્યારાએ હજુ સુધી કંઈ બતાવ્યું નથી, પરંતુ તપાસ દરમ્યાન સંબંધિતો પાસેથી મળેલી વિગતો અનુસાર બંને શખ્સ પીવાની ટેવવાળા હતા અને સંભવત નશાની હાલતમાં કોઈ મુદ્દે ઝઘડો થતાં હત્યા નીપજાવ્યાની સંભાવના દર્શાવી છે.