31 જુલાઈ, 2026 સુધી અરજી કરવાની તક – કચ્છ જિલ્લાના લાયક વિદ્યાર્થીઓને લાભ લેવા અનુરોધ
ભારત સરકારના શિક્ષણ મંત્રાલય હેઠળ કાર્યરત પ્રતિષ્ઠિત પીએમ શ્રી જવાહર નવોદય વિદ્યાલય, કુમરા
(કચ્છ) ખાતે શૈક્ષણિક સત્ર 2027-28 માટે ધોરણ-6માં પ્રવેશ માટે યોજાનારી જવાહર નવોદય વિદ્યાલય પસંદગી
પરીક્ષા (JNVST-2027) માટે ઓનલાઈન નોંધણી પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે. કચ્છ જિલ્લાના લાયક અને
પ્રતિભાશાળી વિદ્યાર્થીઓને આ સુવર્ણ તકનો મહત્તમ લાભ લેવા અનુરોધ કરવામાં આવ્યો છે.
જવાહર નવોદય વિદ્યાલય સંપૂર્ણપણે સહ-શિક્ષણ આધારિત આવાસીય (Residential) શાળા છે, જ્યાં
વિદ્યાર્થીઓને નિઃશુલ્ક ગુણવત્તાસભર શિક્ષણ, રહેઠાણ, ભોજન, ગણવેશ, પાઠ્યપુસ્તકો સહિતની તમામ આવશ્યક
સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવે છે. ઉપરાંત રમતગમત, એન.સી.સી., સ્કાઉટ-ગાઈડ, સંગીત, નૃત્ય, સાંસ્કૃતિક
પ્રવૃત્તિઓ તેમજ સ્થળાંતર (Migration) યોજના દ્વારા રાષ્ટ્રીય એકતા અને સર્વાંગી વિકાસને પ્રોત્સાહન આપવામાં
આવે છે.
પ્રવેશ માટે વિદ્યાર્થી કચ્છ જિલ્લાના મૂળ રહેવાસી હોવો જરૂરી છે તેમજ શૈક્ષણિક વર્ષ 2026-27
દરમિયાન કચ્છ જિલ્લાના સરકારી અથવા માન્યતા પ્રાપ્ત શાળામાં ધોરણ-5માં અભ્યાસ કરતો હોવો જોઈએ.
ઉપરાંત વિદ્યાર્થીએ ધોરણ-3 અને ધોરણ-4 સફળતાપૂર્વક પૂર્ણ કર્યા હોવા જોઈએ. ઉમેદવારની જન્મ તારીખ 01 મે,
2015 થી 31 જુલાઈ, 2017 (બંને તારીખો સહિત) વચ્ચેની હોવી આવશ્યક છે.
પસંદગી પરીક્ષામાં કુલ 100 ગુણ રહેશે અને પરીક્ષાનો સમયગાળો 2 કલાકનો રહેશે. પરીક્ષામાં માનસિક
ક્ષમતા પરીક્ષણ (MAT) – 40 ગુણ, અંકગણિત પરીક્ષણ (AT) – 20 ગુણ, ભાષા પરીક્ષણ – 20 ગુણ તથા
સામાન્ય વિજ્ઞાન – 20 ગુણનો સમાવેશ કરવામાં આવ્યો છે.
આ પ્રવેશ પરીક્ષા માટે ઓનલાઈન અરજી કરવાની છેલ્લી તારીખ 31 જુલાઈ, 2026 નક્કી કરવામાં આવી
છે, જ્યારે પ્રવેશ પરીક્ષા 28 નવેમ્બર, 2026ના રોજ યોજાશે.
નોંધનીય છે કે અન્ય જિલ્લાના મૂળ રહેવાસી અથવા અન્ય જિલ્લામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ આ
પરીક્ષા માટે પાત્ર રહેશે નહીં.