સ્વદેશી સ્ટેલ્થ ફ્રિગેટ INS મહેન્દ્રગિરી ભારતીય નૌસેનામાં સામેલ, આ આત્મનિર્ભર ભારતની તાકાતનું પ્રતીક:રાજનાથ સિંહે કહ્યું

ભારતીય નૌસેનાની તાકાતમાં શનિવારે એક નવો અધ્યાય જોડાયો છે. સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે વિશાખાપટ્ટનમ ખાતે આયોજિત એક ભવ્ય સમારોહમાં સંપૂર્ણપણે સ્વદેશી ટેકનોલોજીથી બનેલા સ્ટેલ્થ ફ્રિગે INS મહેન્દ્રગિરીને ભારતીય નૌસેનામાં ઔપચારિક રીતે સામેલ કર્યું છે. આ આધુનિક યુદ્ધ જહાજ દરિયામાં ભારતની સૈન્ય ક્ષમતાને અનેક ગણી વધારશે. ‘પ્રોજેક્ટ-૧૭એ’ નું અંતિમ યુદ્ધ જહાજ INS મહેન્દ્રગિરી એ ‘પ્રોજેક્ટ-૧૭એ’ નીલગિરી ક્લાસનું છઠ્ઠું અને છેલ્લું સ્ટેલ્થ ફ્રિગેટ છે. આ યુદ્ધ જહાજને ભારતીય નૌસેનાના વોરશિપ ડિઝાઇન બ્યુરો દ્વારા ડિઝાઇન કરવામાં આવ્યું છે અને મુંબઈ સ્થિત મઝગાંવ ડોક શિપબિલ્ડર્સ લિમિટેડ (MDL) દ્વારા તેનું નિર્માણ કરવામાં આવ્યું છે. સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે આ પ્રસંગે કહ્યું હતું કે, “INS મહેન્દ્રગિરીનું નેવીમાં સામેલ થવું એ દેશ માટે ગર્વની ક્ષણ છે. તે આત્મનિર્ભર ભારતના (Aatmanirbhar Bharat) સંકલ્પ અને દેશના ડિફેન્સ ઇન્ડસ્ટ્રીઝની વધતી ક્ષમતાનું જીવંત ઉદાહરણ છે.” આ જહાજનું નામ પૂર્વ ઘાટની ‘મહેન્દ્રગિરી’ પર્વતમાળાના નામ પરથી રાખવામાં આવ્યું છે, જે અડગ સંકલ્પનું પ્રતીક છે. ૭૫ ટકાથી વધુ સ્વદેશી ટેકનોલોજીનો ઉપયોગ આ સ્વદેશી યુદ્ધ જહાજની સૌથી મોટી વિશેષતા એ છે કે તેમાં ૭૫ ટકાથી વધુ સ્વદેશી સામગ્રી અને ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવ્યો છે. આ પ્રોજેક્ટમાં દેશની અનેક મોટી કંપનીઓ સહિત મોટી સંખ્યામાં એમએસએમઈ એ પણ મહત્વનું યોગદાન આપ્યું છે, જેનાથી સ્થાનિક સ્તરે રોજગારીની નવી તકો ઊભી થઈ છે.