‘જો મારી હત્યા થશે તો ઈરાનને…. ‘ : હત્યાના ડર વચ્ચે ટ્રમ્પનો મોટો દાવો
copy image

અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાનને લઈને એક અત્યંત ચોંકાવનારો અને મોટો દાવો કર્યો છે. ન્યૂયોર્ક પોસ્ટને આપેલા એક ઈન્ટરવ્યુમાં ટ્રમ્પે કહ્યું છે કે હું લાંબા સમયથી ઈરાનના નિશાના પર છું. જો ઈરાન દ્વારા મારી હત્યા કરવામાં આવશે, તો મેં ઈરાન પર બોમ્બ ફેંકીને તેને નકશામાંથી મિટાવી દેવાના અને એક એવો અભૂતપૂર્વ જવાબી હુમલો કરવાના નિર્દેશ અગાઉથી જ આપી રાખ્યા છે જે ઈરાને ક્યારેય જોયો નહીં હોય. આ વિવાદ વચ્ચે ઈઝરાયલની ગુપ્તચર એજન્સીઓએ અમેરિકાને એક અત્યંત ગંભીર ઈનપુટ આપ્યો છે. આ ઈન્ટેલિજન્સ અહેવાલ અનુસાર , ઈરાન કથિત રીતે ડોનાલ્ડ ટ્રમ્પની હત્યા કરવા માટે એક નવા કાવતરા પર કામ કરી રહ્યું છે. અહેવાલો મુજબ , આ માહિતી સામે આવ્યા બાદ ટ્રમ્પે જાહેરમાં સ્વીકાર્યું હતું કે તેઓ ઈરાનની ‘કિલ લિસ્ટ’ માં સૌથી ઉપર છે. જોકે, અમેરિકાની ગુપ્તચર એજન્સીઓએ હજુ સુધી ઈઝરાયલના આ દાવાની સ્વતંત્ર રીતે પુષ્ટિ કરી નથી. વ્હાઇટ હાઉસના જણાવ્યા અનુસાર, અમેરિકન એજન્સીઓ હાલ એવા તમામ શંકાસ્પદ લોકો પર નજર રાખી રહી છે જેઓ વર્તમાન કે પૂર્વ અમેરિકન અધિકારીઓ પર હુમલો કરવાની ફિરાકમાં છે. ટ્રમ્પ અને નેતન્યાહુ વચ્ચે ફોન પર વાતચીત આ ગંભીર સુરક્ષા ખતરાની વચ્ચે ડોનાલ્ડ ટ્રમ્પ અને ઈઝરાયલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહુ વચ્ચે ફોન પર મહત્વની વાતચીત થઈ છે. બંને નેતાઓ સુરક્ષા અને વ્યૂહાત્મક તાલમેલ જાળવી રાખવા માટે સહમત થયા છે. નેતન્યાહુની ઓફિસે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર કહ્યું કે, ટ્રમ્પે વડાપ્રધાનને ખાડી ક્ષેત્રમાં અમેરિકાની સૈન્ય ગતિવિધિઓ વિશે માહિતગાર કર્યા છે. બીજી તરફ નેતન્યાહુએ ઈરાનને કડક ચેતવણી આપતા કહ્યું છે કે લડાઈ હજુ પૂરી થઈ નથી અને ઈરાન પર મોટા હુમલા માટે તેમને માત્ર ટ્રમ્પની મંજૂરીની જરૂર છે.