સણવા ગામે પ્રાકૃતિક કૃષિ દ્વારા ખરીફ પાક વ્યવસ્થાપન અંગે ૮૦થી વધુ ખેડૂતોનેવૈજ્ઞાનિકોનું માર્ગદર્શન

સરદાર દાંતીવાડા કૃષિ યુનિવર્સિટી સંચાલિત વિભાગીય સંશોધન કેન્દ્ર, ભચાઉ દ્વારા સરદાર
સરોવર નર્મદા નિગમ લિમિટેડ (SSNNL) યોજના અંતર્ગત રાપર તાલુકાના સણવા ગામે તા.૧૩ જુલાઇ
સોમવારના રોજ “પ્રાકૃતિક કૃષિ દ્વારા ખરીફ પાકનું વ્યવસ્થાપન” વિષય પર એક દિવસીય ખેડૂત

શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. શિબિરમાં આશરે ૮૦થી વધુ ખેડૂતો ઉત્સાહપૂર્વક જોડાયા હતા
અને ખરીફ પાકોમાં પ્રાકૃતિક ખેતી, જમીન આરોગ્ય, સિંચાઈ વ્યવસ્થાપન તેમજ રોગ-જીવાત નિયંત્રણ
અંગે નિષ્ણાતો પાસેથી વૈજ્ઞાનિક માર્ગદર્શન મેળવ્યું હતું.
શિબિરના પ્રારંભે મદદનીશ સંશોધન વૈજ્ઞાનિક ડૉ. યોગેશ રાઠવા દ્વારા પ્રાકૃતિક કૃષિના મૂળભૂત
સિદ્ધાંતો અને તેના વિવિધ આયામોની વિસ્તૃત સમજ આપવામાં આવી હતી. તેમણે પ્રાકૃતિક ખેતીને
ટકાઉ અને ખર્ચ બચત આધારિત ખેતી પદ્ધતિ તરીકે ઓળખાવી જીવામૃત, બીજામૃત, આચ્છાદન
(મલ્ચિંગ), વાપસા, તેમજ આંતરખેડ, આંતરપાક અને મિશ્ર પાક પદ્ધતિ અપનાવવાથી જમીનની
ફળદ્રુપતા જળવાઈ રહેવા ઉપરાંત ઉત્પાદન ખર્ચમાં ઘટાડો અને પર્યાવરણનું સંરક્ષણ થાય છે તેમ
જણાવ્યું હતું. ત્યારબાદ શ્રી રાજ પરવાડીયા, સિનિયર રિસર્ચ ફેલો દ્વારા સહભાગી સિંચાઈ વ્યવસ્થાપન
અંગે માહિતી આપવામાં આવી હતી. તેમણે પાણીના કાર્યક્ષમ ઉપયોગ, પાણીની બચત, ખેડૂતોની
સહભાગિતાથી સિંચાઈ વ્યવસ્થાપનને વધુ અસરકારક બનાવવાની રીતો તેમજ ઉપલબ્ધ જળસંપત્તિનો
મહત્તમ ઉપયોગ કરી વધુ ઉત્પાદન મેળવવા અંગે માર્ગદર્શન આપ્યું હતું.
આગળ સહ સંશોધન વૈજ્ઞાનિક ડૉ. નરેન્દ્રસિંહ બુંબડીયા દ્વારા ખરીફ પાકોમાં જમીન વ્યવસ્થાપન
અંગે વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી. તેમણે જમીનના નમૂના વૈજ્ઞાનિક પદ્ધતિથી લેવાની રીત,
જમીન પરીક્ષણના આધારે સંતુલિત ખાતર વ્યવસ્થાપન, સૂક્ષ્મ પોષક તત્ત્વોનું મહત્વ તથા જમીનની
તંદુરસ્તી જાળવી ઉત્પાદન વધારવા અંગે ખેડૂતોને માર્ગદર્શન આપ્યું હતું.
શિબિરના અંતિમ વ્યાખ્યાયનમાં મદદનીશ પ્રાધ્યાપક ડૉ. ભવ્યરાજસિંહ વાઘેલા દ્વારા ખરીફ
પાકોમાં રોગ અને જીવાતના પ્રાકૃતિક નિયંત્રણ અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. તેમણે જણાવ્યું
હતું કે પ્રાકૃતિક કૃષિનો મુખ્ય આધાર કુદરત સાથે સુમેળ સાધીને ખેતી કરવાનો છે. તેમણે નીમાસ્ત્ર,
બ્રહ્માસ્ત્ર, અગ્નિઅસ્ત્ર અને દશપર્ણી અર્ક જેવા પ્રાકૃતિક અસ્ત્રોના ઉપયોગ દ્વારા રોગ-જીવાતનું અસરકારક
નિયંત્રણ કરી રાસાયણિક દવાઓ પરની નિર્ભરતા ઘટાડવા ખેડૂતોને અનુરોધ કર્યો હતો.
શિબિર દરમિયાન ખેડૂતો સાથે પ્રશ્નોત્તરી સત્રનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં વૈજ્ઞાનિકોએ
ખેડૂતો દ્વારા પૂછાયેલા વિવિધ પ્રશ્નોના સંતોષકારક અને વ્યવહારુ ઉકેલો રજૂ કર્યા હતા. ખાસ કરીને
પ્રાકૃતિક કૃષિ, જમીન આરોગ્યનું સંરક્ષણ તથા પાણીના કાર્યક્ષમ ઉપયોગ જેવા વિષયો પ્રત્યે ખેડૂતોમાં
વિશેષ રસ અને જિજ્ઞાસા જોવા મળી હતી. કાર્યક્રમના અંતે ખેતી મદદનીશ શ્રી જશપાલસિંહ ડાભીએ
ઉપસ્થિત તમામ ખેડૂતો, વૈજ્ઞાનિકો તથા મહેમાનોનો આભાર વ્યક્ત કરી શિબિરની સમાપનવિધિ કરી
હતી. તેમજ આ ખેડૂત તાલીમ શિબિરનું આયોજન સરદાર કૃષિનગર દાંતીવાડા કૃષિ યુનિવર્સિટીના
માનનીય કુલપતિ ડૉ. આર. એસ. ચંદેલના માર્ગદર્શન, વિસ્તરણ શિક્ષણ નિયામકશ્રીના સૂચન તેમજ
વિભાગીય સંશોધન કેન્દ્ર, ભચાઉના વડા ડૉ. આર. એમ. જાડેજાના આયોજન અને માર્ગદર્શન હેઠળ
સફળતાપૂર્વક કરવામાં આવ્યું હતું.