માધાપરમાં નીકળશે જગન્નાથજીની રથયાત્રા

આષાઢી બીજે ઓરિસ્સા અને અમદાવાદમાં યોજાતી ભગવાન જગન્નાથજીની રથયાત્રાની જેમ ગુરુવારે કચ્છી નવા વર્ષે બપોરે 4-30 વાગ્યે કચ્છ ભુજ તાલુકાના માધાપર  નવાવાસ  સ્થિત સ્વામિનારાયણ મંદિરેથી ભગવાન જગન્નાથજીની રથયાત્રા નીકળશે. ભુજ નરનારાયણ દેવ તાબા હેઠળના માધાપરના જૂનાવાસ સ્થિત પ્રસાદી મંદિરના પ્રમુખ જાદવજીભાઈ વરસાણી, મંત્રી સંજય ભુડિયા અને યુવક મંડળ અને હરિભક્તો દ્વારા આયોજિત અને નવાવાસ ભાઈઓ અને બહેનોનાં સ્વામિનારાયણ મંદિરના પ્રમુખ જાદવજી ભુડિયા, યુવક મંડળ અને હરિભક્તોનાં સંચાલન હેઠળ આયોજિત આ રથયાત્રાને નવાવાસ મંદિરેથી મંદિરના સંતો-મહંતો દ્વારા પ્રસ્થાન કરાવાશે, આ રથયાત્રા ગામના મુખ્ય માર્ગો પર ફરી નવાવાસ મંદિરે ભગવાન જગન્નાથજી સાથે ઠાકોરજીની આરતી, પૂજા અને સંતોના આશીર્વચન બાદ પ્રસાદ સાથે સંપન્ન થશે. આ રથયાત્રામાં સ્વામિનારાયણ મંદિર યુવક મંડળ સંચાલિત બેન્ડપાર્ટી, ભજન મંડળી રમઝટ બોલાવશે. અગાઉ ભુજમાં નૂતન સ્વામિનારાયણ મંદિર દ્વારા હમીરસર કાંઠે યોજાતી અને ત્યારબાદ ભુજમાં કાર્નિવલ શરૂ થતાં બંને કાર્યક્રમ એકસાથે થઈ જતા હોવાથી છેલ્લા બે વર્ષથી માધાપરમાં યોજાતી આ રથયાત્રામાં જોડાતા રથને શણગારવાની કામગીરી છેલ્લા સાત દિવસથી ગામના પૂર્વ સરપંચ અરજણભાઈ ભુડિયા પરિવાર દ્વારા કરવામાં આવી રહી છે. આ અંગે શ્રી ભુડિયાએ વધુ વિગતો આપતાં જણાવ્યું હતું કે, આ રથને મખમલી કાપડ, આભલા-ભરત, તુઈ, જરદોશી, એમ્બ્રોઈડરી સહિતની વિવિધ વસ્તુઓ દ્વારા તૈયાર કરવામાં આવે છે. આ રથયાત્રા માટે પૂ. મહંત ધર્મનંદનદાસજી, ઉપમહંત સ્વામી ભગવદજીવનદાસજી, કોઠારી પાર્ષદવર્ય જાદવજી ભગત, પુરાણી સ્વામી બાળકૃષ્ણદાસજી, પુરાણી સ્વામી કેશવજીવનદાસજીના માર્ગદર્શન હેઠળ મંદિરના અન્ય સંતો, બહેનોનાં મંદિરનાં ફઈ, સાંખ્યયોગી બહેનો, હરિભક્તો જહેમત ઉઠાવી રહ્યા છે.