હાઈકોર્ટે કચ્છની સગીરાને ગર્ભપાતની મંજૂરી આપી
ગુજરાત હાઈકોર્ટે તાજેતરમાં એક અત્યંત સંવેદનશીલ મામલામાં માનવીય અભિગમ અપનાવતા બે દુષ્કર્મ પીડિત સગીરાઓને ગર્ભપાત કરાવવાની મંજૂરી આપી છે. કચ્છ અને સાબરકાંઠા જિલ્લાની આ બે સગીરાઓના શારીરિક અને માનસિક સ્વાસ્થ્યને ધ્યાનમાં રાખીને કોર્ટે આ મહત્વનો નિર્ણય લીધો છે. મળતી માહિતી મુજબ આ પ્રક્રિયાને સુરક્ષિત બનાવવા માટે તબીબી નિષ્ણાતોની એક ખાસ પેનલની રચના કરવામાં આવી હતી. સાબરકાંઠાના કેસમાં 16 વર્ષીય સગીરાને 26 સપ્તાહનો ગર્ભ હતો, જે અંગે હિંમતનગર બી-ડિવિઝન પોલીસ સ્ટેશનમાં દુષ્કર્મની ફરિયાદ નોંધવામાં આવી હતી. સગીરાના ગર્ભપાત માટે કોર્ટમાં અરજી કરવામાં આવી હતી. આ અરજી પર સુનાવણી બાદ કોર્ટે હિંમતનગર સિવિલ હોસ્પિટલના સિનિયર તબીબોની દેખરેખ હેઠળ ગર્ભપાતની પ્રક્રિયા પૂર્ણ કરવાનો આદેશ આપ્યો છે. બીજી તરફ, કચ્છની 17 વર્ષીય સગીરા 16 અઠવાડિયાના ગર્ભથી પીડિત હતી. તપાસ દરમિયાન સગીરામાં લોહીની ઉણપ જોવા મળી હતી. તમામ તબીબી પાસાઓની ચકાસણી બાદ, કોર્ટે ગાંધીધામ જનરલ હોસ્પિટલમાં ગર્ભપાતની મંજૂરી આપી છે. આ મામલે હાઈકોર્ટે એક અત્યંત મહત્વપૂર્ણ સ્પષ્ટતા કરી છે. હાઈકોર્ટની માર્ગદર્શિકા મુજબ બન્ને કેસમાં પીડિતા અને તેમના પરિવારે પોતાના જોખમે આ સર્જરી કરાવવા માટે હોસ્પિટલ તંત્રને યોગ્ય લેખિત બાંહેધરી પત્ર સોંપવાનું રહેશે.