ત્રણ ભાષા નીતિ પર રોક લગાવવા સુપ્રીમની ના

કેન્દ્રીય માધ્યમિક શિક્ષણ બોર્ડની ચર્ચામાં રહેલી ત્રણ ભાષા નીતિ પર રોક લગાવવાનો સુપ્રીમ કોર્ટે આજે ઇન્કાર કર્યો હતો. આ નીતિ વર્તમાન 2026-27ના શૈક્ષણિક વર્ષથી અમલમાં આવી છે. દરમ્યાન આ નીતિને પડકારતી બે નવી અરજી અંગે સર્વોચ્ચ અદાલતે કેન્દ્ર સરકાર,  એનસીઇઆરટી અને સીબીએસઇને નોટિસ આપીને જવાબ માગ્યો છે. મુખ્ય ન્યાયાધીશ  સૂર્યકાંત, જસ્ટિસ જોયમાલ્યા બાગચી અને વી. મોહનાની ખંડપીઠે અરજદારો વતી હાજર રહેલા વરિષ્ઠ વકીલો આનંદ ગ્રોવર અને ગોપાલ શંકર નારાયણનની રજૂઆતોને ધ્યાને લીધી હતી અને કેન્દ્ર સરકાર અને અન્ય પક્ષકારોને નોટિસ પાઠવી 10 દિવસમાં જવાબ રજૂ કરવાનો નિર્દેશ આપ્યો હતો. સીજેઆઇએ જણાવ્યું કે, અમે 29 જુલાઇએ આ અરજીઓ પર વધુ સુનાવણી કરશું. અમનદીપ કૌર અને અર્પણ રાય ચૌધરી દ્વારા આ નવી અરજી દાખલ કરવામાં આવી હતી,  જેમાં કેન્દ્ર સરકાર, સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશન અને નેશનલ કાઉન્સિલ ફોર એજ્યુકેશન રિસર્ચ એન્ડ ટ્રેનિંગને પક્ષકાર બનાવવામાં આવ્યા છે. એક વકીલે રજૂઆત કરી હતી કે, વાલીઓ  અને શાળાઓ પાઠયપુસ્તકોની ભારે અછત અન નીતિના અચાનક અમલીકરણથી પરેશાન છે.  વકીલ આનંદ ગ્રોવરે જણાવ્યું  કે, અમે અહીં ધોરણ 6 અને 9 વિદ્યાર્થીઓ માટે રજૂઆત કરી રહ્યા છીએ. સૌથી વ્યાવહારિક સમસ્યા એ છે કે, સરકારે પહેલી જુલાઇ સુધી તમામ પાઠયપુસ્તકો ઉપલબ્ધ કરાવવાની વાત કરી હતી, હાલમાં 22માંથી માત્ર ત્રણ ભાષાના પુસ્તક ઉપલબ્ધ છે. પૂરતા શિક્ષક ન હોવાથી માનવબળની પણ ગંભીર સમસ્યા ઊભી થઇ છે.