ભારતીય-અમેરિકી અવકાશયાત્રી અનિલ અંતરિક્ષ કેન્દ્રની સફરે

અમેરિકાની અંતરિક્ષ એજન્સી `નાસા’એ મંગળવારે કઝાકિસ્તાનના બૈકોનુર કોસ્મોડ્રોમ પરથી રશિયાના સોયુઝ એમએસ-29 દ્વારા ભારતીય મૂળના અમેરિકન અનિલ મેનન સહિત ત્રણ અંતરિક્ષયાત્રીને ઈન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન મોકલ્યા છે. આ મિશન મેનનની પ્રથમ અંતરિક્ષયાત્રા છે. તેઓ એક્સપીડિશન 74 અને 75ના ભાગરૂપે અવકાશી પ્રયોગશાળામાં આઠ મહિના ગાળશે. મેનનની સાથે રશિયન અંતરિક્ષ એજન્સી `રોસકોસ્મોસ’ના અવકાશયાત્રી પ્યોત્ર દુબ્રોવ અને અન્ના કિકિના જોડાયા છે. નાસાએ કહ્યું હતું કે, મેનન એઆઈ અને ઓગમેન્ટેડ રિયાલિટીની મદદથી હાથ ધરવામાં આવતા એડવાન્સડ મેડિકલ અને અલ્ટ્રાસાઉન્ડ ટેસ્ટનો પણ ભાગ બનશે. તસવીરમાં ગગનગામી સુયોઝ અને યાનના યાત્રીઓ નજરે પડે છે. નોંધનીય છે કે, 49 વર્ષીય અનિલ મેનનનો ભારત સાથે ગાઢ સંબંધ છે. તેમના પિતા ભારતીય છે અને માતા યુક્રેનિયન છે. યુએસએના મિનિયાપોલીસમાં જન્મેલા મેનને ન્યૂરોબાયોલોજી, મિકેનિકલ એન્જિનીયરિંગ અને મેડિસીનનો અભ્યાસ કર્યો છે. તેઓ ઈમર્જન્સી ફિઝિશિયન છે અને યુએસ સ્પેસ ફોર્સમાં કર્નલ છે. મેનને અફઘાનિસ્તાનમાં યુએસ એરફોર્સમાં સેવા આપી હતી અને હિમાલયન રેસ્ક્યૂ એસોસીએશન સાથે પણ કામ કર્યું હતું જે એક સંસ્થા છે, જે માઉન્ટ એવરેસ્ટ પર પર્વતારોહકોને બચાવે છે.