કચ્છ કાર્નિવલ કચ્છ જિલ્લાની સંસ્કૃતિને દેશ – દુનિયામાં ઉજાગર કરતો ઉત્સવ છે : રાજ્યમંત્રીશ્રી ત્રિકમભાઈ છાંગા

ભુજ ખાતે આજરોજ કચ્છ કાનિર્વલનો પ્રભારીમંત્રીશ્રી કાંતિલાલ અમૃતિયા તથા રાજ્યમંત્રીશ્રી ત્રિકમભાઈ છાંગાની વિશેષ ઉપસ્થિતિમાં હમીરસર તળાવ કાંઠે રંગેચંગે પ્રારંભ થયો હતો. ૧૨૦૦ થી વધુ કલાકારોની ૪૮ ભાતિગળ સાંસ્કૃતિક કૃતિઓની પ્રસ્તુતિથી ઐતિહાસિક હમીરસર કાંઠો અષાઢી બીજની સંધ્યાએ ગુંજી ઉઠ્યો હતો.
કચ્છીમાડુઓને કચ્છી નૂતન વર્ષ અષાઢીબીજની શુભેચ્છા પાઠવીને પ્રભારીમંત્રીશ્રી તથા શ્રમ કૌશલ્ય વિકાસ અને રોજગાર રાજયમંત્રીશ્રી કાંતિલાલ અમૃતિયાએ જણાવ્યું હતું કે, વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીએ કચ્છ કાર્નિવલનું આયોજન શરૂ કરી કચ્છની વિશેષ સંસ્કૃતિ અને ઉત્સવ પ્રિયતાને વિશ્વથી રૂબરૂ કરાવી હતી. વડાપ્રધાનશ્રીના વિકાસના વિઝનથી વિકસિત બનેલા કચ્છનો હજુ પણ વધુ વિકાસ કરવા રાજ્ય સરકાર કટીબદ્ધ હોવાનું જણાવતા તેમણે વધુમાં ઉમેર્યું હતું કે, કચ્છ ભૂતકાળમાં અનેક મૂળભૂત સુવિધાથી વંચિત હતો પરંતુ વડાપ્રધાનશ્રીએ કચ્છની કાયાપલટ કરી દીધી છે. આજે મૂળભૂત સુવિધાથી લઈને રોજગારીના નવા દ્વાર ખુલતા કચ્છ મોડલરૂપ બન્યો છે.
કચ્છ કાર્નિવલની પરંપરાને વિસ્તારવાના વડાપ્રધાનશ્રીના પ્રેરક સૂચનને ઝિલનાર સાંસદશ્રી વિનોદભાઈ ચાવડાને ઉચ્ચ અને ટેકનિકલ રાજ્યમંત્રીશ્રી ત્રિકમભાઈ છાંગાએ અભિનંદન પાઠવતા ઉમેયું હતું કે, કચ્છ પ્રત્યે વિશેષ લગાવ ધરાવતા વડાપ્રધાનશ્રીએ કચ્છનું પુર્નનિર્માણ કરવા સાથે કચ્છ કાર્નિવલની શરૂઆત કરાવી હતી. આ પરંપરા ફરી શરૂ થતા કચ્છની સંસ્કૃતિ દેશ – દુનિયા સમક્ષ ઉજાગર થઈ રહી છે.
આ પ્રસંગે સાંસદશ્રી વિનોદભાઇ ચાવડાએ કચ્છીઓને નૂતન વર્ષની શુભેચ્છા પાઠવતા જણાવ્યું હતું કે, અષાઢીબીજ એટલે દેશ વિદેશમાં વસતા દરેક કરછીમાડુઓનો લોક ઉત્સવ છે. દરિયાખેડુ, ખેડૂત, માલધારી સહિત તમામ કચ્છીઓ માટે અષાઢી બીજ મહત્વપૂર્ણ છે. રાજાશાહીથી ચાલતી પરંપરા આજે પણ જીવંત છે તેનો શ્રૈય વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીને જાય છે. તેમણે ઉમેર્યું હતું કે, વડાપ્રધાનશ્રી દ્વારા ગુજરાતના મુખ્યમંત્રીના કાર્યકાળ દરમિયાન કચ્છ કાર્નિવલની શરૂઆત કરવામાં આવી હતી. વર્તમાન સમયમાં ભુજ આવેલા વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદી ફરી કચ્છ કાર્નિવલ શરૂ કરવા પ્રેરણા આપતા છેલ્લા બે વર્ષથી અષાઢી બીજની રંગેચંગે ઉજવણી કરાય છે.
આ પ્રસંગે સાંસદશ્રીએ આ સમગ્ર આયોજનમાં સહભાગી થનાર કલાકારો તથા કચ્છ વાસીઓનો આભાર વ્યક્ત કર્યો હતો.
કચ્છી નવા વર્ષે મહાદેવ ગેટથી પ્રારંભ કરાયેલ કાર્નિવલમાં વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો સાથે કલાકારોની કૃતિઓ ખેંગાર પાર્ક સુધીના માર્ગે રજૂ કરવામાં આવી હતી. કચ્છી કલા અને સંસ્કૃતિની ઝાંખીઓની પ્રસ્તૃતિથી કચ્છીયત સોળે કળાએ ખીલી ઉઠી હતી. કચ્છભરના ૨૫૦૦ જેટલા કચ્છી કલાકારોએ કચ્છ, ગુજરાત તથા અન્ય રાજ્યની સંસ્કૃતિને ૪૮ ફલોટના માધ્યમથી રજૂ કરીને કલાના કામણ પાર્થયા હતા.
કચ્છ કાર્નિવલમાં વિવિધ સમાજ, સામાજિક, ધાર્મિક સંસ્થાઓ, શાળાઓ, મહિલા મંડળો વગેરે જોડાઇને વિવિધ થીમ પર ૪૮ કૃતિઓ રજૂ કરી હતી, જેમાં કચ્છ ઢોલી,યોગાસન, કચ્છી રાસ, કચ્છજી બોલી, ટિપ્પણી રાસ, પશુ ચિકિત્સા નિર્દેશન, અષાઢી બીજ યાત્રા સહિતની પ્રસ્તૃતિ નિહાળી લોકો મંત્રમૃગ્ધ થયા હતા. રંગેચંગે નીકળેલા કાર્નિવલ અને જનમેદનીના ઉત્સાહ – ઉલ્લાસ થકી સુશોભિત કરાયેલો ઐતિહાસિક હમીરસર કાંઠો અષાઢી બીજની સંધ્યાએ ગાજી ઉઠ્યો હતો.
હમીરસર કાંઠે સમી સાંજે રેલાયેલા સંગીત અને લોકસાહિત્યના રણકારે હજારોની સંખ્યામાં ઉપસ્થિત જનમેદનીને કચ્છી નવા વર્ષે નવા ઉત્સાહથી તરબતર કરી દીધા હતા.
આજના કાર્યક્રમમાં જિલ્લા પંચાયત પ્રમુખશ્રી પ્રભાબેન હુણ, સર્વે ધારાસભ્યોશ્રી કેશુભાઇ પટેલ, શ્રી પ્રદ્યુમ્નસિંહ જાડેજા, શ્રી વિરેન્દ્રસિંહ જાડેજા, શ્રી માલતીબેન મહેશ્વરી, કલેક્ટરશ્રી અનિલ રાણાવસિયા, પશ્ચિમ કચ્છ એસ.પીશ્રી વિકાસ સુંડા, પૂર્વ રાજ્યમંત્રી શ્રી વાસણભાઈ આહિર, પૂર્વ સાંસદશ્રી પુષ્પદાન ગઢવી, પૂર્વ ધારાસભ્યશ્રી પંકજ મહેતા, આગેવાનશ્રી ફલજીભાઈ ચોધરી, શ્રી દેવજીભાઈ વરચંદ, રાજવી પરિવારના સર્વ શ્રી કુંવર ઇન્દ્રજીતસિંહ જાડેજા, હનુમંતસિંહ જાડેજા, યુવરાજ પ્રતાપસિંહ જાડેજા, અનિરુદ્ધસિંહ જાડેજા, મહિદિપસિંહ જાડેજા, નિવાસી અધિક કલેક્ટરશ્રી પાર્થ કોટડીયા, અધિક કલેક્ટર પ્રોટોક્લ શ્રી પ્રણવ વીઠાણી, પ્રાંત અધિકારીશ્રી ડો.અનિલ જાદવ સહિત ઉચ્ચ અધિકારીશ્રીઓ, મોટી સંખ્યામાં કચ્છીઓ અને ભુજ નગરવાસીઓ ઉપસ્થિત રહ્યા હતા