ભારતના રોકાણવાળા ચાબહાર પર અમેરિકી હુમલા

માણસાઇના દુશ્મન સમાન કાળમુખું યુદ્ધ સતત વકરી રહ્યું છે. અમેરિકાએ શુક્રવારે સળંગ છઠ્ઠા દિવસે ઇરાન પર હવાઇ હુમલા કર્યા હતા, જેમાં ભારતના રોકાણવાળા ચાબહાર બંદર પર પણ નિશાન સાધ્યું હતું.મળતી માહિતી મુજબ હુમલામાં આ પોર્ટના કંટ્રોલ ટાવરને પણ નુકસાન થયું હતું. બીજી તરફ આ હવાઇ હુમલાઓનો બદલો લેતાં ઇરાને અમેરિકાનાં અનેક યુદ્ધ વિમાનોને બેલેસ્ટિક મિસાઇલથી તબાહ કરી નાખ્યા હતા. અમેરિકી સંરક્ષણ મંત્રી પીટ ચાબહાર પર અમેરિકી હુમલા : હેગસેથે કંટ્રોલ ટાવર ક્ષતિગ્રસ્ત થયાની તસવીર પણ શેર કરી હતી. છેલ્લા એક અઠવાડિયામાં આ ટાવર પર આજે ત્રીજો હુમલો કરાયો હતો. અમેરિકી સેન્ટ્રલ કમાન્ડ (સેંટ કોમ)એ કહ્યું હતું કે, યુદ્ધ વિમાનો, ડ્રોન અને યુદ્ધ જહાજોથી ઇરાનના અનેક સૈન્ય ઠેકાણા પર હુમલા કરાયા હતા.સેંટકોમ દ્વારા કહ્યું હતું કે, હવાઇ હુમલાઓમાં એર ડિફેન્સ સિસ્ટમ, સૈન્ય મથકો સહિત ઇરાની સ્થળો નિશાન બનાવાયા છે.ચાબહાર પોર્ટ ભારત માટે રણનીતિક રીતે મહત્ત્વનું છે, જેનું સંચાલન ભારતીય કંપની ઇન્ડિયા પોર્ટસ ગ્લોબલ લિ. કરી રહી છે. ચાબહાર પોર્ટ પાકિસ્તાનને બાયપાસ કરી, ભારતને અફઘાનિસ્તાન અને મધ્ય એશિયા સુધી વેપારી પહોંચ અપાવે છે. ઇરાનની ફાર્સ સમાચાર એજન્સીએ શુક્રવારે દાવો કર્યો હતો કે, ચાબહાર પોર્ટ પર અમેરિકી હુમલા બાદ ઇરાન વળતા જવાબમાં અમેરિકાના સૈન્ય અને કારોબારી હિતો સાથે જોડાયેલાં પાંચ પ્રમુખ બંદરો પર નિશાન સાધી શકે છે. ઇરાને દાવો કર્યો હતો કે, અમે જોર્ડનમાં ઊભેલાં અનેક અમેરિકી યુદ્ધ વિમાનોને બેલેસ્ટિક મિસાઇલો અને ડ્રોનથી નિશાન બનાવ્યાં છે. ઇરાન રિવોલ્યુશનરી ગાર્ડ (આઇઆરજીસી)એ જણાવ્યું હતું કે, અમે અનેક અમેરિકી રિફયુલિંગ વિમાનો અને યુદ્ધ વિમાનો નષ્ટ કરી નાખ્યાં છે.