ગુજરાતમાંથી જૈશ-એ-મોહમ્મદના વધુ 5 આતંકીઓ ઝડપાયા

ગુજરાત એન્ટી ટેરરિસ્ટ સ્ક્વોડ (ATS)ને આતંકવાદી નેટવર્કને નેસ્તનાબૂદ કરવામાં વધુ એક મોટી સફળતા મળી છે. ગુજરાત ATSએ પાકિસ્તાન સ્થિત આતંકી સંગઠન જૈશ-એ-મોહમ્મદ (JeM) સાથે જોડાયેલા વધુ 5 આતંકીઓની ધરપકડ કરી છે. ઝડપાયેલા આ પાંચેય આતંકીઓ ગુજરાતના જ અલગ-અલગ જિલ્લાઓમાંથી સક્રિય હતા, જેમને ઓપરેશન હાથ ધરીને દબોચી લેવામાં આવ્યા છે.મળતી માહિતી અનુસાર, આ કેસમાં ગુજરાત ATSએ અગાઉ જૈશ-એ-મોહમ્મદના 8 આતંકીઓની ધરપકડ કરી હતી. આ આતંકીઓની સઘન પૂછપરછ અને તપાસ દરમિયાન મોડ્યુલ સાથે જોડાયેલા અન્ય સભ્યોના નામ સામે આવ્યા હતા. માહિતી મુજબ આ આતંકવાદીઓ બ્લાસ્ટ કરવા માટે પરીક્ષણ કરી રહ્યા હોવાનો અને ઇમ્પ્રોવાઇઝડ એક્સપ્લોસિવ ડિવાઇસ બનાવવાનો પ્રયાસ કરતા હોવાનો ચોંકાવનારો ખુલ્લાસો થયો છે. કસ્ટડીમાં રહેલા આતંકીઓએ ઓગળેલી વિગતોના આધારે ATSએ આ ઓપરેશન હાથ ધર્યું હતું અને નેટવર્કનો વ્યાપ વધે તે પહેલાં જ વધુ 5 આતંકીઓને દબોચી લીધા છે.. આ કેસની કડીઓ મેળવવા માટે ATS દ્વારા અગાઉ અનેક શકમંદ વ્યક્તિઓની અટકાયત કરીને લાંબી પૂછપરછ કરવામાં આવી હતી અને તેના નિવેદનો નોંધવામાં આવ્યા હતા. આ પુરાવાઓ અને મજબૂત કડીઓના આધારે આખરે આ પાંચેય સક્રિય આતંકીઓની ધરપકડ કરવામાં આવી છે. આરોપીઓના મોબાઇલમાંથી મળેલા સાહિત્યમાં વિવિધ પ્રકારના બોમ્બ બનાવવાની રીતો, વિસ્ફોટક સામગ્રીના ઉપયોગ અને આતંકી પ્રવૃત્તિઓ માટેની માર્ગદર્શિકા પણ મળી આવી છે. એટીએસ ડીઆઈજીએ વધુમાં જણાવ્યું હતું કે, આરોપીઓ મળીને ગન પાઉડર બનાવતા હતા. તેના માટે પોટેશિયમ નાઇટ્રેટ અને સલ્ફર જેવી સામગ્રી ઓનલાઈન તેમજ શહેરના બજારમાંથી ખરીદવામાં આવતી હતી. ગુજરાતને આતંકી પ્રવૃત્તિઓથી ઘમરોળવાના આ મનસૂબાનો પર્દાફાશ કરવા માટે પોલીસ તંત્ર સતર્ક છે