સિંધુ જળ વિવાદમાં પાકને બેવડો ફટકો

copy image

પાકિસ્તાને સિંધુ જળ સંધિ વિવાદને અંતરરાષ્ટ્રીય મધ્યસ્થતા પાસે લઈ જઈ ભારત પર દબાણ બનાવવાનો પેંતરો તેને જ ભારે પડતો હોય તેવું લાગી રહ્યું છે. એક અખબારી અહેવાલ મુજબ ભારત દ્વારા મધ્યસ્થતાની કાર્યવાહીથી પોતાને અલગ કરવા અને સંધિને હાલમાં સ્થગિત કરવાના નિર્ણય બાદ પાકિસ્તાન માત્ર પોતાનો જ નહીં, પરંતુ ભારતના ભાગનો મધ્યસ્થતા ખર્ચ પણ ઊઠાવી રહ્યું છે. હેવાલ મુજબ ઈસ્લામાબાદ અત્યાર સુધીમાં છ લાખ ડોલરથી વધુ ખર્ચ કરી ચૂક્યું છે અને જેમ જેમ મામલો આગળ વધશે તેમ તેમ આ રકમ પણ વધવાની સંભાવના છે. સિંધુ જળ સંધિ હેઠળ ભારત અને પાકિસ્તાનને મધ્યસ્થતા કાર્યવાહીનો ખર્ચ બરાબર-બરાબર ઉઠાવવાનો હોય છે. પરંતુ એપ્રિલ 2025માં પહેલગામ આતંકી હુમલા બાદ ભારતે આ પ્રક્રિયામાંથી પોતાની ભાગીદારી સસ્પેન્ડ કરી હતી. ભારતના આ નિર્ણય છતાં પાકિસ્તાને મધ્યસ્થતાની કાર્યવાહી ચાલુ રાખી હતી અને અહેવાલ મુજબ તે બંને દેશના હિસ્સાનો ખર્ચ પણ સ્વયં જ ઊઠાવી રહ્યો છે. આ આખો વિવાદ ભારતની કિશનગંગા અને રતલે જળવિદ્યુત પરિયોજનાઓને લઈને છે જે સિંધુ જળ સંધિ હેઠળ આવતી પશ્ચિમી નદીઓ પર બનાવવામાં આવી રહી છે. પાકિસ્તાનનો આક્ષેપ છે કે આ પરિયોજના સંધિની જોગવાઈઓનો ભંગ કરે છે. આ જ આધારે મામલાને પરમેનેન્ટ કોર્ટ ઓફ આર્બિટ્રેશનમાં પહોંચાડયો હતો.