ધોરડો ખાતે ઘાસ ગોડાઉનની જાત મુલાકાત લઈને ઘાસની ગુણવત્તા અને રખરખાવની સમીક્ષા કરતાં કચ્છ કલેક્ટરશ્રી અનિલ રાણાવસિયા

પશુપાલકોને ઘાસચારો મેળવવામાં કોઈ મુશ્કેલી ન પડે અને સમયસર પૂરતો જથ્થો મળી રહે તે માટે કચ્છ જિલ્લા વહીવટીતંત્ર તંત્ર દ્વારા યુદ્ધના ધોરણે કામગીરી હાથ ધરવામાં આવી છે. જેના ભાગરૂપે આજે કચ્છ જિલ્લા કલેક્ટરશ્રી અનિલકુમાર રાણાવસિયાએ વન વિભાગ અને મહેસૂલી અધિકારીશ્રીઓ, તલાટીશ્રીઓ સાથે બન્ની ગ્રાસ લેન્ડ વિભાગ હસ્તકના ધોરડો ફોરેસ્ટ ગોડાઉનની રૂબરૂ મુલાકાત લઈ ઘાસના સ્ટોરેજ ગોડાઉનનું નિરીક્ષણ કરીને રખરખાવ અને ઘાસની ગુણવત્તાની સમીક્ષા કરી હતી.
કચ્છ કલેક્ટરશ્રીએ સ્થળ પર ઉપસ્થિત સંબંધિત વિભાગના અધિકારીઓને સૂચના આપતાં જણાવ્યું હતું કે, ગોડાઉનમાં ઉપલબ્ધ ઘાસનો જથ્થો પશુપાલકોને તાત્કાલિક અને વિલંબ વિના મળી રહે તેવી વ્યવસ્થા ગોઠવવામાં આવે. ઘાસ મેળવવા આવતા પશુપાલકોને કોઈ અગવડ ન પડે અને સમગ્ર પ્રક્રિયા પારદર્શક અને સરળ રહે તે બાબતે ખાસ ધ્યાન રાખવા તાકીદ કરવામાં આવી છે.
આ મુલાકાત દરમિયાન પશુપાલકોના વિશાળ હિતમાં વન વિભાગ, મામલતદાર કચેરી, પોલીસ પ્રશાસન અને સ્થાનિક તલાટીઓને સંકલન સાધીને કામગીરી કરવા કલેક્ટરશ્રીએ જણાવ્યું છે. મુલાકાત દરમિયાન વન વિભાગને ઘાસ વિતરણ કામગીરીમાં પૂરતો સહયોગ આપવા માટે સૂચનાઓ આપીને જરૂરી માર્ગદર્શન કચ્છ કલેક્ટરશ્રીએ પુરું પાડ્યું હતું.
કચ્છ કલેક્ટરશ્રી અનિલ રાણાવસિયાએ બન્ની ઘાસ ગોડાઉનની જાત મુલાકાત લઈને ઘાસની ગુણવત્તા અને રખરખાવ વિશે જાણકારી મેળવી હતી.
આ નિરીક્ષણ મુલાકાત દરમિયાન જિલ્લા કલેક્ટરશ્રીની સાથે ફોરેસ્ટ વિભાગના ઉચ્ચ અધિકારીઓ, મામલતદાર, પોલીસ વિભાગના અધિકારીઓ તેમજ સ્થાનિક તલાટીઓ અને વહીવટી સ્ટાફ ઉપસ્થિત રહ્યો હતો.