અપશબ્દો અને માફી મુદ્દે રાજકારણ ગરમાયું
જંતરમંતર ઉપર કોકરોચ જનતા પાર્ટીનાં આંદોલન દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદી સહિતના નેતાઓ વિશે છાત્રોની અભદ્ર ટિપ્પણી અને અપશબ્દોના વીડિયો પણ વાયરલ થયા હતા. આવા જ એક કિસ્સામાં રુચિકા સિંહ નામની એક 1પ વર્ષીય છોકરી સામે એફઆઈઆર પણ દાખલ થઈ હતી, જેમાં રુચિકાએ બીજો એક વીડિયો જારી કરીને પોતાની હરકત બદલ દેશવાસીઓની માફી પણ માગી છે. બીજી તરફ વડાપ્રધાન મોદીએ ગઈ મોડી રાત્રે વધુ એક વીડિયો સંદેશ જારી કરીને આવી અભદ્ર ભાષા અને અપશબ્દો ભાંડનારા યુવક-યુવતીઓ માટે ક્ષમાભાવ પ્રગટ કર્યો હતો અને જણાવ્યું હતું કે, તોફાની અને ગુમરાહ બાળકોની અભદ્ર ભાષા દુર્ભાગ્યપૂર્ણ હતી, પણ હું તેમને માફી આપવા માગું છું. જો કે, વડાપ્રધાન મોદીના આ સંદેશા બાદ અપશબ્દો મુદ્દે રાજકારણ ગરમાયું છે અને વિપક્ષોએ પલટવાર કરતાં બતાવ્યું હતું કે, વડાપ્રધાને માફી આપવાને બદલે માફી માગવી જોઈએ. મોદીએ પોતાનાં ઈન્સ્ટાગ્રામ વીડિયો સંદેશમાં ગાળો ભાંડનારા યુવકોને માફ કરવાની વાત કર્યા બાદ કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને પૂર્વ કેન્દ્રીય ગૃહમંત્રી પી.ચિદમ્બરમે આજે મોદી ઉપર નિશાન સાધ્યું હતું. તેમણે મોદીને સવાલ કરતા જણાવ્યું હતું કે, શું તેમણે સોશિયલ મીડિયા ઉપર સરકારની આલોચના કરતા લોકો સામે વાંધાજનક અને અભદ્ર ટિપ્પણીઓ કરતા ભાજપના ટ્રોલર્સને પણ માફી આપી દીધી છે? ઉદ્ધવ ઠાકરેએ જણાવ્યું હતું કે, મોદીએ દેખાવકારો પર ગોળીબાર બદલ માફી માગવી જોઈએ. રાહુલ ગાંધીએ જણાવ્યું હતું કે, છાત્રોને તમારી માફીની જરૂર નથી. માફી તો તમારે માગવી જોઈએ.