આજથી સંસદના ચોમાસુ સત્રનું આખરી ચરણ

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના નિવેદન મામલે વિરોધ પક્ષ અને સરકાર વચ્ચે ચાલી રહેલી મડાગાંઠ વચ્ચે સંસદના ચોમાસુ સત્રના અંતિમ તબક્કાનો આવતીકાલથી આરંભ થઇ રહ્યો છે. માહિતી મુજબ વિપક્ષના હોબાળા વચ્ચે શાસક ભાજપ વિદેશી અનુદાન નિયમોમાં ફેરફાર કરતા વિવાદાસ્પદ ખરડાને પસાર કરવા પ્રયાસ કરે તેવી અટકળો છે. દરમ્યાન, લોકસભામાં ટ્રિબ્યુનલ સુધારા ખરડા સહિત ચાર ખરડા રજૂ કરાય તેવી સંભાવના છે. નાણામંત્રી નિર્મલા સીતારામન રાજ્યસભામાં બેંકર્સ બુકસ ખરડો રજૂ કરી શકે છે.અગાઉની 15 બેઠક દરમ્યાન જાહેર પરીક્ષા સુધારા ખરડા પર ચર્ચા થઇ તે સમયને બાદ કરતાં વિદ્યાર્થીઓ પર પોલીસની કાર્યવાહી મામલે વિપક્ષના તીવ્ર વિરોધને કારણે બંને ગૃહોમાં મોટાભાગે હોબાળો જ રહ્યો હતો. આ ગતિરોધને કારણે ગૃહની બેઠકો કોઇ ખાસ કામકાજ વિના જ સ્થગિત કરવી પડી હતી. જો કે, હોબાળા વચ્ચે જ કેટલાક ખરડા પસાર કરાયા હતા. છેલ્લા 15 સત્ર દરમ્યાન લોકસભામાં ફાળવાયેલા 90 કલાકમાંથી માત્ર 15 કલાક 36 મિનિટ જ કામકાજ થયું હતું. આ દરમ્યાન આઠ ખરડા પસાર કરવામાં આવ્યા હતા. ત્રીજીથી સાતમી ઓગસ્ટ વચ્ચેના ગયા સપ્તાહમાં ગૃહ માત્ર 103 મિનિટ જ ચાલ્યું હતું. રાજ્ય સભાએ 15 બેઠકમાં 24.21 કલાક કામ કર્યું હતું. જે દરમ્યાન છ ખરડા પસાર કરવામાં આવ્યા હતા. ત્રીજીથી સાતમી ઓગસ્ટ વચ્ચે રાજ્યસભામાં 10 કલાક 56 મિનિટ કાર્યવાહી થઇ હતી. સરકાર એ વાત પર અડગ છે કે કયા મંત્રી ગૃહમાં આવે અને જવાબ આપે તે વિપક્ષ નક્કી કરી શકે નહીં ત્યારે ભાજપ વિરોધી મોરચાએ છાત્રો પર પોલીસ કાર્યવાહી અંગે ગૃહમંત્રી શાહના નિવેદન અને અયોધ્યાના રામ મંદિરમાં દાનચોરી અંગે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નિવેદનની માંગ કરીને આક્રમક વલણ અપનાવ્યું છે. વિપક્ષે અમિત શાહને નિશાન બનાવતાં દાવો કર્યો હતો કે તેઓ છેલ્લા 15 દિવસથી સંસદમાં ગાયબ છે, તેઓ એવો પણ દાવો કરી રહ્યા છે કે પહેલા દિવસ સિવાય વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ ગૃહમાં આવ્યા નથી.