ટ્રમ્પ અણુ કાર્યક્રમની શરત પડતી મૂકશે ?

image

મધ્યપૂર્વમાં તનાવની પરાકાષ્ઠા વચ્ચે અમેરિકા અને ઈરાન વચ્ચે શાંતિની વાટાઘાટ તો ચાલે છે પણ ગમે ત્યારે એકાદા તણખાથી જંગની આગ ફાટી નીકળવાની ભીતિ જરાય ઓછી થઈ નથી. માહિતી અનુસાર ઈઝરાયલે પોતાના સૈન્યદળોની તમામ રજાઓ રદ કરી નાખી છે અને અમેરિકા-ઈરાનની વાટાઘાટ વચ્ચે ઈઝરાયલનાં વડાપ્રધાન બેંજામિન નેતન્યાહૂએ ઈરાન ઉપર ભીષણ હુમલાની તૈયારી આદરી હોવાની આશંકા પેદા થઈ છે. મીડિયા અહેવાલો મુજબ ટ્રમ્પ નરમ પડયા છે અને હોર્મુઝમાં જહાજોનું આવાગમન શરૂ થાય તે માટે ઇરાનના અણુ કાર્યક્રમની શરત પડતી મૂકવા તૈયાર થયા છે. બીજીબાજુ ઈરાનની રાષ્ટ્રીય સુરક્ષા પરિષદે સાફ શબ્દોમાં દોહરાવ્યું છે કે, અમેરિકા જ્યાં સુધી પોતાનો વ્યવહાર નહીં સુધારે ત્યાં સુધી હોર્મુઝ જળમાર્ગ ખૂલવાનો નથી. ઈરાને હોર્મુઝ ખોલવા માટે અમેરિકા સાથેની વાતચીતને પ્રભાવિત કરે તેવી નવી શરતો મૂકી દીધી છે. ઈરાની રિવોલ્યુશનરી ગાર્ડનાં કમાન્ડર મોહમ્મદ બાઘેરે એક નિવેદનમાં જણાવ્યું હતું કે, અમેરિકાએ હવે ફરી ક્યારેય ઈરાનને ધમકી આપવી જોઈએ નહીં. અમેરિકાએ ઈરાનનાં બંદરો ઉપર લાદેલા પ્રતિબંધો હટાવવા પડશે. સાથોસાથ આ ક્ષેત્રમાંથી અમેરિકાએ પોતાની સૈન્ય ઉપસ્થિતિ પણ હટાવવી પડશે. આવી જ રીતે જપ્ત કરેલી સંપત્તિઓને પણ બિનશરતી છૂટી કરવી જોઈએ. અમેરિકા તરફથી ઈરાનનાં આ તીખા તેવર સામે કોઈ પ્રતિક્રિયા હજી સુધી આવી નથી.