મૂન બેઝ માટે નાસાનું ઈસરોને આમંત્રણ

યુએસ એમ્બેસીએ મંગળવારે કહ્યું હતું કે, નાસાએ આર્ટેમિસ કરાર હેઠળ ભારત-અમેરિકા ભાગીદારીને વધુ મજબૂત બનાવવા માટે ઇસરોને તેના મૂન બેઝ પ્રોગ્રામમાં જોડાવા આમંત્રણ આપ્યું છે. બંને પક્ષો કરાર હેઠળ ખુલ્લા વૈજ્ઞાનિક ડેટાના આદાનપ્રદાન અંગે સહયોગ પર ચર્ચાઓ આગળ વધારવા માટે પણ સંમત થયા છે.ભારત `આર્ટેમિસ એકોર્ડ્સ’  પર હસ્તાક્ષર કરનાર 27મો દેશ બન્યો. આ કરારનો ઉદ્દેશ નાગરિક સંશોધન અને બાહ્ય અવકાશના ઉપયોગના શાસનમાં સુધારો કરવાનો છે. એક મીડિયા હેવાલ અનુસાર , નાસા ચંદ્રના દક્ષિણ ધ્રુવ નજીક ચંદ્ર આધાર સ્થાપિત કરી રહ્યું છે જેનો ઉદ્દેશ્ય અવકાશમાં યુ.એસ. નેતૃત્વને મજબૂત બનાવવા, વૈજ્ઞાનિક શોધોને પ્રોત્સાહન આપવા, ઉદ્યોગ અને આંતરરાષ્ટ્રીય ભાગીદારો સાથે સહયોગમાં નવીનતા ચલાવવા અને મંગળ પરના મિશન માટે માનવતાને તૈયાર કરવાનો છે. નિવેદનમાં કહેવાયું હતું કે, ભારત અને અમેરિકાએ નાગરિક અને વ્યાવસાયિક અવકાશ સહયોગ અંગેની વાતચીતને આગળ વધારી છે અને વિજ્ઞાન તથા માનવ-સહિતની અવકાશ ઉડાન ટેક્નોલોજીમાં ભવિષ્યની ભાગીદારી પર પણ ધ્યાન કેન્દ્રિત કર્યું છે. આ ચર્ચાઓ ભારત-અમેરિકા સિવિલ સ્પેસ જોઈન્ટ વર્કિંગ ગ્રુપની 9મી બેઠક દરમિયાન થઈ હતી. ભારતે 5 અને 6 ઓગસ્ટના બેંગલુરુમાં ઈસરોના મુખ્યાલય ખાતે આ બેઠકનું આયોજન કર્યું હતું.આર્ટેમિસ મિશન એ નાસાનો એક મહત્ત્વાકાંક્ષી અવકાશ કાર્યક્રમ છે,જેનો ઉદ્દેશ્ય 50 વર્ષ બાદ મનુષ્યોને ફરીથી ચંદ્ર પર મોકલવાનો, ચંદ્ર પર કાયમી વસાહત સ્થાપવાનો અને મંગળ પરના ભાવિ માનવ મિશન માટે તૈયારી કરવાનો છે. આર્ટેમિસ-1 એ તેનો પ્રથમ તબક્કો 2022માં લોન્ચ કરાયેલી માનવરહિત પરીક્ષણ હતું, દરમિયાન ઓરિયન અવકાશયાન સફળતાપૂર્વક ચંદ્રની નજીકથી પસાર થયું હતું. આર્ટેમિસ-2 એ પ્રથમ માનવસહિત મિશન હતું, જે 1 એપ્રિલ, 2026ના શરૂ કરાયું હતું, તેમાં ચાર અવકાશયાત્રીએ ચંદ્રની ભ્રમણકક્ષામાં પ્રદક્ષિણા કરી હતી અને દસ દિવસ બાદ સુરક્ષિત રીતે પૃથ્વી પર પરત ફર્યા હતા.