સઘન IEC અભિયાન-3.0 અંતર્ગત સહજાનંદ ગર્લ્સ ઇન્સ્ટિટ્યૂટ ખાતે HIV જાગૃતિ રેલી અને કાર્યક્રમ યોજાયો

ભુજ: રાષ્ટ્રીય AIDS અને STD નિયંત્રણ કાર્યક્રમ (NACP) અંતર્ગત સમગ્ર દેશમાં તા. 12 ઓગસ્ટથી 12 ઓક્ટોબર, 2026 દરમિયાન સઘન IEC અભિયાન-3.0 યોજાઈ રહ્યું છે. જેના ભાગરૂપે કચ્છ જિલ્લામાં સઘન HIV જાગૃતિ અને ટેસ્ટિંગ અભિયાનનો પ્રારંભ સહજાનંદ ગર્લ્સ ઇન્સ્ટિટ્યૂટ, ભુજ ખાતે HIV જાગૃતિ રેલી અને જાગૃતિ કાર્યક્રમ સાથે કરવામાં આવ્યો હતો. કચ્છ જિલ્લા કલેક્ટરશ્રી અનિલ રાણાવસિયા તથા જિલ્લા વિકાસ અધિકારીશ્રી ઉત્સવ ગૌતમના માર્ગદર્શન હેઠળ, મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીશ્રી (CDHO) ડૉ. મિતેષ ભંડેરીના દિશાનિર્દેશન હેઠળ તથા જિલ્લા TB- HIV અધિકારી (DTHO) ડૉ. મનોજ દવેના અધ્યક્ષસ્થાને કાર્યક્રમ યોજાયો હતો. ડૉ. મનોજ દવેએ જાગૃતિ રેલીને લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવ્યું હતું. રેલીમાં સહજાનંદ ગર્લ્સ ઇન્સ્ટિટ્યૂટની NSSની વિદ્યાર્થીનીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. બેનરો અને સૂત્રોચ્ચાર દ્વારા HIV/AIDS અંગે જનજાગૃતિ ફેલાવવામાં આવી હતી. HIVથી બચવાના ઉપાયો, સમયસર HIV ટેસ્ટિંગ અને સારવાર તથા HIV સાથે સંકળાયેલા ભેદભાવ અને કલંક દૂર કરવા અંગે સંદેશ આપવામાં આવ્યો હતો. રેલી બાદ યોજાયેલા જાગૃતિ કાર્યક્રમમાં HIV/AIDS તથા ટીબી અંગેની જરૂરી સમજણ અને આરોગ્યલક્ષી
માર્ગદર્શન જિલ્લા TB-HIV અધિકારી (DTHO) ડૉ. મનોજ દવે દ્વારા આપવામાં આવ્યું હતું. વિદ્યાર્થીનીઓને HIVના સંક્રમણના માર્ગો, બચાવના ઉપાયો, સમયસર તપાસ અને યોગ્ય સારવાર અંગે માહિતી આપવામાં આવી હતી. સાથે જ ટીબીના લક્ષણો, સમયસર તપાસ, નિયમિત અને સંપૂર્ણ સારવાર તથા ટીબીથી બચવા માટેની સાવચેતીઓ અંગે પણ સમજ આપવામાં આવી હતી.
બે અઠવાડિયા કે તેથી વધુ સમયથી ઉધરસ, તાવ, વજનમાં ઘટાડો, રાત્રે પરસેવો આવવા જેવા લક્ષણો જણાય તો નજીકની આરોગ્ય સંસ્થામાં તપાસ કરાવવા અંગે અપીલ કરવામાં આવી હતી. આ કાર્યક્રમને સફળ બનાવવા બદલ સહજાનંદ ગર્લ્સ ઇન્સ્ટિટ્યૂટના પ્રમુખશ્રી કાનજીભાઈ મેપાણી, ઉપપ્રમુખશ્રી મનસુખ દબાસિયા, મંત્રીશ્રી પ્રવીણભાઈ પિંડોરિયા તથા સહમંત્રીશ્રી લક્ષ્મણભાઈ હિરાણી તરફથી મળેલા સહયોગ બદલ કચ્છ જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો. તેમજ આચાર્યાશ્રી
મનીષાબેન વાગડિયા અને ઓફિસ સુપ્રિટેન્ડેન્ટશ્રી અનિતાબેન ચૌહાણ કાર્યક્રમમાં ઉપસ્થિત રહી સહયોગ આપવા બદલ તેમનો પણ આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે NTEP સ્ટાફ, NGOના કાર્યકરો, DISHA સંસ્થાના પ્રતિનિધિઓ, NACP કચ્છ જિલ્લા સ્ટાફ તથા NSSના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા. સહજાનંદ ગર્લ્સ ઇન્સ્ટિટ્યૂટના પ્રાધ્યાપકો તથા વિદ્યાર્થીનીઓની સક્રિય ભાગીદારી
રહી હતી. સઘન IEC અભિયાન-3.0નો મુખ્ય હેતુ યુવાનો અને જનસમુદાયમાં HIV/AIDS તથા ટીબી અંગે વૈજ્ઞાનિક અને સાચી માહિતી પહોંચાડવી, ગેરમાન્યતાઓ દૂર કરવી તથા જરૂરી વ્યક્તિઓને સમયસર ટેસ્ટિંગ, નિદાન અને સારવારની સેવાઓ સાથે જોડવાનો છે.