કાશ્મીરી પંડિતો પર ફરી ઘાત ? વર્ક ફ્રોમ હોમનો આદેશ

દેશ એક તરફ 80મા સ્વાતંત્ર્ય દિવસની ઉજવણીની તૈયારીઓમાં વ્યસ્ત છે, તો બીજીબાજુ જમ્મુ-કાશ્મીરમાં સુરક્ષાને લઈને અત્યંત ગંભીર અને સંવેદનશીલ સ્થિતિ ઊભી થઈ ગઈ છે. ખીણમાં કામ કરી રહેલા કાશ્મીરી પંડિતો પર ફરી એકવાર ટાર્ગેટ કિલિંગનો ખતરો ભમવા માંડયો છે.આતંકવાદી સંગઠન લશ્કર-એ-તૈયબાના એક છદ્મ જૂથ યુનાઈટેડ લિબરેશન કાઉન્સીલે કાશ્મીરી પંડિતોને ખુલ્લી ચીમકી આપી છે. ત્યારથી પંડિત સમુદાયમાં ભય અને ચિંતા ફેલાઈ ગયા છે અને સરકારે કાશ્મીરી પંડિત સરકારી કર્મચારીઓને વર્ક ફ્રોમ હોમની સૂચના આપી છે. જમ્મુ સ્થિત કાશ્મીરી પંડિતોના સંગઠનો પૈકીના એક પનુન કાશ્મીરના પ્રવક્તાએ જણાવ્યું હતું કે, યુનાઈટેડ લિબરેશન કાઉન્સીલનાં નામે મોકલાયેલા એક કથિત ધમકીભર્યા સંદેશામાં કાશ્મીરી પંડિત સમુદાયના લોકોનો વિશેષ ઉલ્લેખ કરાયેલો છે. નામજોગ તેમના ટેલિફોન નંબર જાહેર કરવામાં આવ્યા હતાં. આતંકવાદી સંગઠને લઘુમતી કાશ્મીરી પંડિતોને નિશાન બનાવવાની ધમકી આપી છે. ત્યારબાદ સુરક્ષાની દૃષ્ટિએ કડક અને સાવચેતીભર્યું પગલું ભરતા પ્રશાસને સેંકડો કાશ્મીરી પંડિત કર્મચારીઓને વર્ક ફ્રોમ હોમ કરવા અથવા રજા પર જવાની સૂચના આપી છે. સરકાર દ્વારા આપવામાં આવેલી એડવાઇઝરીમાં આ સરકારી કર્મચારીઓને 25 ઓગસ્ટ સુધી ઓફિસમાં ન આવવાની સલાહ આપવામાં આવી છે. સાથે જ તેમને સ્વાતંત્ર્ય દિવસના સરકારી કાર્યક્રમોની ફરજમાંથી પણ તાત્કાલિક મુક્તિ આપવામાં આવી છે. જોકે, પોલીસ અને પ્રશાસન આ મામલે કંઈપણ કહેવાનું ટાળી રહ્યા છે. ધમકીભર્યા પત્રની વાસ્તવિકતાની સ્વતંત્ર રીતે પુષ્ટિ થઈ શકી નથી, પરંતુ કેટલાક પંડિતો અને સરકાર સાથે નજીકથી જોડાયેલા લોકોએ તેને ઓનલાઈન અપલોડ કર્યો છે. આ દરમિયાન સુરક્ષા દળોએ મોટું પગલું ભરતાં 3,000થી વધુ શંકાસ્પદ લોકોની અટકાયત કરી છે. આતંકવાદી નેટવર્કને તોડી પાડવા અને કોઈપણ અનિચ્છનીય ઘટનાને રોકવા માટે ઘાટીમાં 22 જુલાઈથી મોટાપાયે સુરક્ષા અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે.