દરિયાના મોજાં વચ્ચે દેશભક્તિનો ઉમંગ! માંડવીના સલાયામાં ભવ્ય ‘સમુદ્ર તિરંગા યાત્રા’ યોજાઈ

‘હર ઘર તિરંગા’ અભિયાન અંતર્ગત દેશભરમાં દેશભક્તિનો માહોલ છવાયેલો છે, ત્યારે માંડવીના સલાયા ખાતે વાઘેર સમાજ દ્વારા અનોખી અને ભવ્ય ‘સમુદ્ર તિરંગા યાત્રા’ નું આયોજન કરવામાં આવ્યું હતું. દરિયાના ઉછળતા મોજાઓ વચ્ચે ભારતીય રાષ્ટ્રધ્વજ તિરંગા સાથે યોજાયેલી આ યાત્રા આકર્ષણનું કેન્દ્ર બની હતી.
આ સમુદ્ર તિરંગા યાત્રામાં ૪૦થી પણ વધુ બોટો જોડાયી હતી. તમામ બોટોને રાષ્ટ્રધ્વજ અને દેશભક્તિના સજાવટ સાથે સજ્જ કરવામાં આવી હતી, આ સમુદ્રી તિરંગા યાત્રામાં વાઘેર સમાજના લોકો અને સ્થાનિક નાગરિકો બોહળી સંખ્યામાં ઉત્સાહભેર જોડાયા હતા.
આ પ્રસંગે માંડવીના ધારાસભ્ય અનિરુદ્ધભાઈ દવે ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને યાત્રાને પ્રોત્સાહિત કરી હતી. તેમણે વાઘેર સમાજ દ્વારા કરવામાં આવેલા આ રાષ્ટ્રભક્તિપૂર્ણ આયોજનની બિરદાવના કરી હતી.
આ સમુદ્ર તિરંગા યાત્રામાં વાઘેર સમાજના અગ્રણીઓ, સ્થાનિક આગેવાનો, ભારતીય જનતા પાર્ટીના કાઉન્સિલરો તથા ભાજપ સંગઠનના હોદ્દેદારો અને બહોળી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા.